અમરેલીમાં સિવીલ હોસ્પિટલ પાછળ આજે ફરી ભૂગર્ભ ગટર ઉભરાઈ હતી, જેના કારણે ગંદા પાણી રસ્તા પર વહેતા થયા હતા. સિવીલ હોસ્પિટલ આસપાસ છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા વિકરાળ બની છે, પરંતુ પાલિકા તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. આજે સિવીલ હોસ્પિટલ પાછળના પીએમ રૂમ તરફ જતા માર્ગ પર ગટરના ગંદા પાણી તળાવની જેમ ભરાઈ ગયા હતા. આ સમસ્યાના કારણે દર્દીઓ, તેમના સગાંસંબંધીઓ અને આસપાસના રહેવાસીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વારંવાર ઉભરાતી ગટરોને કારણે આરોગ્યલક્ષી જોખમો પણ વધી રહ્યા છે. સ્થાનિકો દ્વારા પાલિકા તંત્ર પાસે આ સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવા માટે માંગણી કરવામાં આવી છે. જો આ સમસ્યાનો વહેલી તકે નિકાલ નહીં આવે તો પરિસ્થિતિ વધુ વકરવાની ભીતિ સેવાઈ રહી છે.