અમરેલી નગરપાલિકાએ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સઘન ઝુંબેશ શરૂ કરી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ રાઠોડની સીધી દેખરેખ હેઠળ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા અને વેચાણ કરતા વેપારીઓ સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરમાં પ્લાસ્ટિકના દૂષણને ડામવા માટે ચીફ ઓફિસર વિનોદ રાઠોડ પોતે બજારમાં ઉતર્યા હતા.પાલિકાની ટીમે આ કાર્યવાહી દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓ પાસેથી રૂ. ૨૧૦૦/- નો દંડ વસૂલ્યો હતો અને ૫૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું. નગરપાલિકાએ જાહેરમાં ગંદકી ફેલાવનારા તત્વો સામે પણ પગલાં લીધા હતા. ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં આરોગ્યની ટીમ સાથે મળીને પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરોધી ઝુંબેશને વધુ વેગવંતી બનાવવામાં આવશે.