શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ તથા અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે ૧૨ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે કોલેજની ઈનોવેશન ક્લબ અંતર્ગત “સ્વામી વિવેકાનંદઃ યુવાનોમાં પરિવર્તનના પ્રણેતા” વિષય પર એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં અમરેલીના ડેરી પીપળીયા આશ્રમના મહંત હંસ ગીરીબાપુ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. એ.બી. ગોરવાડીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારબાદ કોલેજના પ્રા. વાય.કે. કયાડા દ્વારા મહંતનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને તેમનો પરિચય આપવામાં આવ્યો હતો. કોલેજના આચાર્યા ભારતીબેન ફીણવીયાનું સ્વાગત પ્રા. જે.એમ. તળાવીયાએ કર્યું હતું. પોતાના વક્તવ્યમાં મહંત હંસ ગીરીબાપુએ સ્વામી વિવેકાનંદ કઈ રીતે યુવાનોમાં પરિવર્તન લાવવા માટે સમર્થ છે, તેના વિશે રસપ્રદ વાતો કરી હતી. તેમણે પોતાની હળવી શૈલીમાં વિદ્યાર્થીઓને પરિવર્તન માટે પ્રોત્સાહિત કર્યા હતા. પ્રવચન બાદ વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરીનું સત્ર પણ યોજાયું હતું. કાર્યક્રમના અંતે પ્રા. જે.એમ. તળાવીયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના પ્રાધ્યાપકો ડો. એ. જી. પટેલ, ડો. વાય.એચ. ઠાકર, ડો. પી.કે. ત્રિવેદી, ડો. એમ.એમ. પટેલ અને ડો. એ.કે. વાળાએ જહેમત ઉઠાવી હતી. આયોજનની સફળતા બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી મનસુખભાઈ ધાનાણી, ચતુરભાઈ ખુંટ, નિયામક ડો. જી.સી. ભીમાણી અને ઈન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.






































