અમરેલીના સોનારીયા ગામે રાજ્યના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોનારીયા અને કથીવદર ગામને જોડતા ૩૦૦ મીટર લંબાઈના સુવિધાપથ સીસી રોડનું નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. માર્ગ અને મકાન પંચાયત વિભાગ હેઠળ નિર્મિત થનારો આ મજબૂત રોડ ગ્રામ્ય સ્તરે વાહનવ્યવહારને વધુ સરળ અને સુલભ બનાવશે જેનાથી સ્થાનિક નાગરિકોની સુવિધામાં નોંધપાત્ર વધારો થશે. રાજ્ય સરકારના “હરિયાળા અને રળિયામણાં ગામડાં”ના સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે સોનારીયા મુકામે અંદાજે પાંચ લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત થનારા કોમ્યુનિટી હોલનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું.
આ હોલ તૈયાર થવાથી ગ્રામજનોને સામાજિક પ્રસંગો અને જાહેર કાર્યક્રમો માટે એક ઉત્તમ સ્થળ પ્રાપ્ત થશે. વિકાસકાર્યોની વિગતો આપતા મંત્રીએ જણાવ્યું કે માત્ર માળખાગત સુવિધાઓ જ નહીં પરંતુ પર્યાવરણ અને જળ સંરક્ષણ ક્ષેત્રે પણ સરકાર કાર્યરત છે. કુંકાવાવ-વડીયા તાલુકાના ૪૫ ગામોમાં જળસંચય અભિયાન શરૂ કર્યા બાદ હવે અમરેલી તાલુકાના ૭૧ ગામોમાં હયાત તળાવો ઊંડા ઉતારવાની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.