અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના હાથીગઢ ગામે પારિવારિક વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. લીલીયા તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય વાલજીભાઈની પુત્રવધૂ દયાબેને ન્યાયની માંગ સાથે પોતાના જ સાસરીના ઘરની બહાર અન્નજળનો ત્યાગ કરીને અનશન પર ઉતરી ગયા છે. છેલ્લા ત્રણ દિવસથી ખુલ્લામાં બેઠેલા દયાબેનને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
મુખ્ય વિવાદ એ છે કે, દયાબેનના પતિ છેલ્લા કેટલાક વર્ષોથી ક્યાં છે તેની કોઈને જાણ નથી. પતિની ગેરહાજરીમાં દયાબેન પોતાની ૧૫ વર્ષની દીકરીનો નિભાવ કરવા અસમર્થ બનતા આખરે ન્યાય અને આશરા માટે પોતાની સાસરી હાથીગઢ પહોંચ્યા હતા. પરંતુ, ભાજપના નેતા એવા સસરાએ પુત્રવધૂને સ્વીકારવાને બદલે અમાનવીય વર્તન કર્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
દયાબેને જ્યારે સાસરીમાં આવવાની જાણ કરી, ત્યારે સસરા વાલજીભાઈ (લીલીયા તા. પંચાયત સભ્ય) અને સાસુ ઘરને તાળું મારીને ક્યાંક ચાલ્યા ગયા હતા. કડકડતી ઠંડીમાં પણ ન્યાયની આશાએ દયાબેન ઘરના ડેલાની બહાર જ બેસી ગયા છે. તેમણે મીડિયા સમક્ષ રડતા રડતા અપીલ કરી છે કે, “સરકાર અને સમાજ મને ન્યાય અપાવે, મારે અને મારી દીકરીને રહેવા માટે આશરો જોઈએ છે.”
ઘટનાની ગંભીરતાને જોતા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હાથીગઢ ગામે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. એક તરફ ભાજપ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ના સૂત્રો આપે છે, ત્યારે બીજી તરફ તેમના જ પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિ પોતાની પુત્રવધૂને રસ્તા પર રઝળતી મૂકી હોવાથી વિપક્ષ અને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.







































