અમરેલીના રોકડીયાપરામંથી રાશનનો ઘઉં-ચોખાનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે કુલ ૩૬ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. અમરેલીના ઈન્ચાર્જ મામલતદાર અને તાલુકા એક્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટ હરેશભાઈ એમ. તલાટીએ જુની સબ જેલ સામે રહેતા સાહીરભાઈ રહીમભાઈ મેતર સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ સમાજના ગરીબ અન મધ્યમ વર્ગના લોકોના જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ઘઉં તથા ચોખા રેશનકાર્ડ ધારકોને ઈસ્યુ કરવામાં આવતો જથ્થો તેના આર્થિક ફાયદા માટે તેના ગોડાઉનમાં રાખ્યો હતો. જ્યાંથી ૬૩૭૦ કિલો ઘઉં, ૨૫૨૬૫ કિલો ચોખા તથા ટ્રક મળી ૩૫,૫૭,૩૨૫ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મેહુલભાઈ વિનુભાઈ મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.