અમરેલી જિલ્લાના મોટા ગોખરવાળાથી સોનારીયા જવાના માર્ગ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવતા બોલેરો પીકઅપના ચાલકે મોટરસાયકલ સવાર યુવકને જોરદાર ટક્કર મારતા, ગંભીર ઈજાઓને કારણે યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી બોલેરો ચાલક વાહન સાથે નાસી છૂટ્યો હતો. આ અંગે મોટા ગોખરવાળા ગામે રહેતા વિનુભાઇ મોહનભાઇ કથિરીયા (ઉ.વ.૫૮)એ બોલેરો વાહન નં.ય્ત્ન-૦૩-છઠ-૪૪૦૮ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, ફરિયાદીનો દીકરો પોતાના હવાલાવાળું મોટરસાયકલ (નંબરઃ ય્ત્ન-૨૭-છમ્-૩૧૪૪) લઈને વાડીએ આંટો મારવા જઈ રહ્યો હતો. જ્યારે તે મોટા ગોખરવાળા ગામથી સોનારીયા રોડ પર આવેલા કોઝવે પાસે પહોંચ્યો, ત્યારે સામેથી આવતા બોલેરો પીકઅપ (નંબરઃ ય્ત્ન-૦૩-છદ્ભ-૪૪૦૮) ના ચાલકે પોતાના વાહનને પૂરઝડપે અને બેફિકરાઈથી ચલાવી યુવકના મોટરસાયકલ સાથે જોરદાર અકસ્માત સર્જ્યો હતો.
આ ગંભીર અકસ્માતમાં યુવકને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ માનવતા બતાવવાને બદલે બોલેરો ચાલક પોતાના વાહન સાથે ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. આ મામલે મૃતક યુવકના પિતાએ બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે માનવ જિંદગી જોખમાય તે રીતે વાહન ચલાવી અકસ્માત સર્જી મોત નિપજાવવા બદલ ગુનો નોંધી ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.જે. ગોંડલીયા વધુ તપાસ કરી રહ્યા છે.