ધારી તાલુકાના ભાડેર ગામેથી એક હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે. જેમાં દારૂડિયા પુત્રના ત્રાસથી કંટાળીને સગા પિતાએ જ તેની હત્યા કરી હોવાનો પર્દાફાશ થયો છે. પિતાએ પુત્રનું ગળું દબાવી હત્યા કર્યા બાદ તેની લાશને વાડીના શેઢે દાટી દીધી હતી. પોલીસે એક મહિના બાદ મૃતદેહને બહાર કાઢી પિતા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, અમરેલીના ધારીના ભાડેર ગામે રહેતા હિતેશ વશરામભાઈ સેંજળીયાને દારૂ પીવાની કુટેવ હતી. હિતેશ અવારનવાર દારૂ પીને તેની માતા તેમજ પરિવારના અન્ય સભ્યો સાથે ઝઘડો કરી ત્રાસ ગુજારતો હતો. પુત્રના આ રોજબરોજના કંકાસ અને ઝઘડાથી પિતા વશરામભાઈ સેંજળીયા અત્યંત કંટાળી ગયા હતા.

આશરે એક મહિના પહેલા, હિતેશના ત્રાસથી તંગ આવી ગયેલા પિતા વશરામભાઈએ રાત્રિના સમયે હિતેશની ક્રૂર હત્યા કરી નાખી હતી. કોઈને શંકા ન જાય તે રીતે તેમણે પુત્રની લાશને પોતાની જ વાડીના શેઢા પાસે ઉંડો ખાડો ખોદીને દાટી દીધી હતી.

આ બાબતે એએસપી જયવીર ગઢવીએ જણાવ્યું હતું કે, પોલીસને બાતમી મળી હતી કે ભાડેર ગામની વાડીમાં કોઈ લાશ દાટવામાં આવી છે. આ બાતમીના આધારે ધારી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા મામલો ગંભીર જણાયો હતો. પોલીસે જમીનમાંથી હિતેશની લાશ બહાર કાઢી પિતાની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી.

“પિતા વશરામભાઈ સેંજળીયાની પૂછપરછ દરમિયાન મોટો ઘટસ્ફોટ થયો છે. તેમણે કબૂલાત કરી હતી કે પુત્ર હિતેશ દારૂ પીને પરિવારને હેરાન કરતો હોવાથી કંટાળીને તેમણે જ આ પગલું ભર્યું હતું.

ધારી પોલીસે આ મામલે પિતા વશરામ સેંજળીયા સામે હત્યાનો ગુનો નોંધી તેમની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. એક મહિના પહેલા બનેલી આ ઘટનાનો ભેદ ઉકેલાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. લોહીના સંબંધોમાં સર્જાયેલા આ લોહિયાળ જંગે અનેક સવાલો ઉભા કર્યા છે.