અમરેલી નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન માંગરોળીયાએ કલેકટરને પત્ર લખી અમરેલી શહેરના પરિવર્તનીય વિસ્તાર (ઝોન ફેરફાર/કન્વર્ટેડ એરિયા) માં માત્ર ટોકન દરે દસ્તાવેજ નોંધણી કરી આપવા માંગ કરી છે.
પત્રમાં જણાવ્યા મુજબ, અગાઉના સમયમાં રહેણાંક કે વ્યાપારી હેતુ માટે પરિવર્તનીય કરાયેલા વિસ્તારોમાં ઘણા મધ્યમ અને ગરીબ પરિવારો પાસે પૂરતા દસ્તાવેજી પુરાવા ન હોવાથી અથવા ઊંચી જંત્રી અને નોંધણી ફીના કારણે પોતાના મકાન કે પ્લોટના પાકા દસ્તાવેજ કરાવી શક્યા નથી.
આના કારણે સરકારી યોજનાઓનો લાભ લેવામાં, બેંક લોન મેળવવામાં તેમજ માલિકી હક્ક સાબિત કરવામાં મુશ્કેલી પડી રહી છે. રાજ્ય સરકાર ખાસ કિસ્સા તરીકે પ્રોત્સાહક યોજના લાવી નજીવી ફી સાથે દસ્તાવેજ નોંધણી કરી આપે તો હજારો પરિવારોને કાયદેસરનો માલિકી હક્ક મળી શકશે.
આ પત્રની નકલ શ્રી કૌશિકભાઈ વેકરિયા તથા ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રીને પણ મોકલવામાં આવી છે.