અમરેલી જિલ્લામાં ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર આપતા હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. અમરેલી તાલુકાના જાળિયા ગામેથી ચોરીની એક ઘટના સામે આવી છે. અહીં એક રહેણાંક મકાનના ખુલ્લા આંગણામાંથી અજાણ્યા શખ્સો પાણીની મોટર અને ભંગારના સામાનની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ અંગે અમરેલીમાં રહેતા પરશોત્તમભાઇ અરજણભાઇ ઝાલાવડયા (ઉ.વ.૬૫) એ અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી વિગતો અનુસાર, જાળિયા ગામમાં રહેતા તેમના સાળા ગોવિંદભાઇ બાલુભાઇ વાગડીયાનું મકાન હાલ બિનવપરાશી હાલતમાં છે. આ મકાનના ખુલ્લા આંગણાને નિશાન બનાવી કોઈ અજાણ્યો ઇસમ અંદર પ્રવેશ્યો હતો. તસ્કરે આંગણામાં પડેલી અંદાજે રૂ.૫,૦૦૦ની કિંમતનો ભંગાર, જેમાં મશીનના દાગીના અને અન્ય લોખંડની ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે, તેની ચોરી કરી હતી. આ ઉપરાંત, લાકડાના પાટિયામાં ફિટ કરેલી ‘ગોલ્ડ’ લખેલી વાદળી રંગની અડધાની (૦.૫ HP) પાણીની મોટર, જેની કિંમત આશરે રૂ.૪,૦૦૦ આંકવામાં આવી છે, તેની પણ ચોરી કરવામાં આવી હતી.









































