મુંબઈથી અમદાવાદ આવી રહેલી અકાસા એરની ફ્લાઈટમાં મુસાફરો માટે આજે એક ભયાવહ સ્થિતિ સર્જાઈ હતી. ફ્લાઈટમાં અચાનક આવેલી ટેકનિકલ ખામી અને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગના બે અસફળ પ્રયાસોને કારણે વિમાનમાં સવાર તમામ મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. હવામાં લટકતી આ કટોકટી વચ્ચે મુસાફરોએ પોતાની નજર સામે જ મોતનો મંજર જોયો હોય તેવો ભયાનક અનુભવ કર્યો હતો. ફ્લાઇટ નંબર QP 1781 ના પાયલોટે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ માટે બે-બે વાર કોશિશ કરી હતી, પરંતુ ટેકનિકલ કારણોસર પ્લેન રનવેને અડકી શક્યું નહોતું અને ફરી હવામાં ઉડાવવું પડ્યું હતું. અંતે આ ફ્લાઇટનું જયપુર ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. મુંબઈ એરપોર્ટથી આજે સવારે 8:40 વાગ્યે અકાસા એરની બોઈંગ 737 મેક્સ 8 ફ્લાઇટે અમદાવાદ માટે ઉડાન ભરી હતી. નિર્ધારિત સમય મુજબ સવારે 10:00 વાગ્યે પ્લેન અમદાવાદ એરપોર્ટ પર ઉતરવાનું હતું. પાયલોટે પ્લેનને રનવે પર ઉતારવા માટે એપ્રોચ કર્યો, પરંતુ અચાનક પ્લેન ફરી ઉપર ચલાવી લેવું પડ્યું હતું. આવું એક નહીં પણ બે વાર બનતા મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. ફ્લાઇટમાં સવાર એક મુસાફરે પોતાનો ભયાનક અનુભવ શેર કરતા જણાવ્યું કે, “જ્યારે પ્લેન બે વાર રનવેની નજીક જઈને અચાનક ફરી આકાશમાં ફંટાયું ત્યારે બધા જ પેસેન્જર્સ ડરી ગયા હતા. પ્લેનમાં ભયનો માહોલ હતો અને લોકો પ્રાર્થના કરવા લાગ્યા હતા.” પાયલોટે સતત પ્રયાસો કર્યા હોવા છતાં અમદાવાદ એરપોર્ટમાં સુરક્ષિત લેન્ડિંગ શક્ય ન બનતા એર ટ્રાફિક કંટ્રોલની સલાહ બાદ ફ્લાઇટને જયપુર તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. અંતે, લાંબી મથામણ અને મુસાફરોની ચિંતા વચ્ચે ફ્લાઇટને જયપુર એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી હતી. પરંતુ આ ઘટનાએ મુસાફરોને ભારે પરેશાનીમાં મૂકી દીધા હતા.