અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારીથી બે લોકોનો જીવ ગયો. નારોલમાં ૩ ફૂટના ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં વીજ કરંટ લાગવાથી એક્ટિવા પર જતા દંપતીનું મોત નિપજ્યું છે. વરસાદી પાણીમાંથી વાહન લઈને પસાર થવું દંપતી માટે જીવલેણ નિવડ્યું. મોપેડ સવાર દંપતીને અચાનક  વીજ કરંટ લાગતા તે મોપેડ પરથી નીચે પટકાયું હતું. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં સિંઘલ દંપતી જીવ ગુમાવી ચુક્્યા હતા. મૃતક નારોલ રુદ્ર ગ્રીન ફ્લેટમાં રહેતા હરજીવનભાઈ સિંઘલ અને તેમની પત્ની અંકિતાબેન સિંઘલ છે. નારોલ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલ મટન ગલીમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, મટન ગલીમાં ભરાયેલા વરસાદી પાણીમાં વીજ કરંટ લાગતા દંપતીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. ફાયર બ્રિગેડમાં ઘટનાની જાણ કરનાર રાજુભાઈએ સમગ્ર ઘટના વિશે જણાવ્યું કે, મોપેડ પર એક દંપતી જઈ રહ્યું હતું. તે સમયે રસ્તા પર ત્રણ ચાર ફૂટ ભરાયા હતા. વરસાદી પાણીમાંથી મોપેડ પસાર થતું હતું. ત્યારે મોપેડ સવાર દંપત્તિને અચાનક વીજ કરંટ લાગ્યો હતો. તેથી દંપતી મોપેડમાંથી નીચે પટકાયું હતું. બાદમાં ફાયરને કોલ કરતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયરે વીજ કંપનીના અધિકારીઓને ઘટનાની જાણ કરી વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો. વીજ કરંટ લાગવાને કારણે દંપતીનું કરુણ મોત થયું છે. પ્રાથમિક માહિતી અનુસાર, નારોલ પાસે રુદ્ર ગ્રીન ફ્લેટમાં રહેતા રાજન હરજીવનભાઈ સિંઘલ અને તેમના પત્ની અંકિતા રાજનભાઈ સિંઘલનું મોત નિપજ્યું છે. નારોલ વિસ્તારમાં રસ્તાઓમાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાઈ જવાને કારણે રસ્તાઓ પર મસમોટા ખાડા પડ્યા છે. જેથી તંત્રની ગંભીર બેદરકારીને કારણે બે લોકોના જીવ ગયા છે દંપતીના મૃતદેહ પીએમ અર્થે અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નારોલ પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે.