વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખાતા અમદાવાદની ઐતિહાસિક વિરાસતને વધુ ભવ્ય બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) એ એક મોટો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. શહેરના આઇકોનિક ‘હેરિટેજ વાક’ રૂટને રૂ. ૩૭.૩૪ કરોડના ખર્ચે નવો ઓપ આપવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રૂટની પરંપરાગત શૈલીને જાળવી રાખીને આધુનિક સુવિધાઓ અને આકર્ષક રોશનીથી તેને સજાવવામાં આવશે.
અમદાવાદના સેન્ટ્રલ ઝોનમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી જુમ્મા મસ્જીદ સુધીના ૨.૨૫ કિમી લાંબા રૂટનો હેરિટેજ થીમ આધારિત પુનઃવિકાસ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત આખા રૂટ પર કડપ્પા સ્ટોન, ગ્રેનાઈટ કોબલ સ્ટોન અને બ્લોક પેવિંગની સાથે મુખ્ય જંકશન પર આકર્ષક ટેબલ-ટોપ ફ્લોરિંગ અને ડેકોરેટિવ લાઇટિંગ કરવામાં આવશે. વધુમાં, રૂટ પર ઐતિહાસિક વારસાને દર્શાવતા શિલ્પો અને સાઇનેજ બોર્ડ લગાવવામાં આવશે, તેમજ જૂના મકાનો અને પોળોના પ્રવેશદ્વારોને હેરિટેજ શૈલી મુજબ પેન્ટિંગ કરી પરંપરાગત રીતે વિકસાવવામાં આવશે.
માત્ર સુંદરતા જ નહીં, પરંતુ પાયાની સુવિધાઓમાં પણ મોટો સુધારો કરવામાં આવશે. રૂટની નીચે પાણીની પાઇપલાઇન, ડ્રેનેજ, સ્ટોર્મ વોટર લાઇન તેમજ ટોરેન્ટ પાવર અને અદાણી ગેસની લાઇનોનું પણ આધુનિકીકરણ કરવામાં આવશે.
આ પ્રોજેક્ટની કામગીરી ૧ મે, ૨૦૨૫ થી શરૂ થશે અને ૩૦ એપ્રિલ, ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ કામગીરી માટે ‘આદિત્ય ઈન્ફાબિલ્ડકોન પ્રા. લિમિટેડ’ ની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ‘મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટ’ ને ડિઝાઇન કન્સલ્ટન્ટ તરીકે નિયુક્ત કરાયા છે.
અમદાવાદની હેરિટેજ વાક જાવા માટે દેશ-વિદેશથી હજારો પ્રવાસીઓ આવે છે. આ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ બાદ પર્યટકોને અમદાવાદની પોળો અને સ્થાપત્ય કલાનો વધુ સારો અનુભવ મળશે.








































