રાજ્યભરમાં પડેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના લાખો ખેડૂતોને નુકસાન થયું છે. મોટાભાગના બધા ખેડૂતો દેવાદાર બની ગયા છે. સરકારે ખેડૂતો માટે ૧૦ હજાર કરોડનું પેકેજ પણ જાહેર કર્યું છે. જેમાં ૧૬ હજાર ગામના ૧૩ લાખ ખેડૂતોને પ્રતિ હેક્ટર ૨૨ હજાર વળતર ચૂકવાશે પરંતુ આ વળતર મળે ને ખેડૂત દેવાંમાંથી ક્્યારે બહાર આવે તે કહી શકાય એવું નથી. કારણ કે દરેક ખેડૂતની વિકટ સ્થિતિ અલગ અલગ છે એટલે બધા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. અરડોઈ ગામના ખેડૂત દિલીપભાઈ નાગજીભાઈ વીરડિયાએ આપઘાત કર્યો છે. કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જતાં દિલીપભાઈ ચિંતામાં રહેતા હોવાનો પરિવારનો દાવો છે. ખેડૂતના આત્મહત્યાના કારણ અંગે કોટડા સાંગાણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ આત્મહત્યાનું સાચું કારણ બહાર આવશે. મૃતકનું સિવિલ હોસ્પીટલમાં પી.એમ કરાવવામાં આવ્યું છે. માવઠાના કારણે મગફળીના પાકને નુકસાન થતા દાનાભાઈ રામજીભાઈ જાદવ નામના આધડે આપઘાત કર્યો હોવાનો પરિવારનો દાવો છે. ખેડૂતે પોતાના ઘરમાં દોરડું બાંધી જીવન ટૂંકાવ્યું છે. મૃતકે ૧૪ વીઘા તુવેર અને મગફળીનું વાવેતર કર્યું હતું. ખેડૂત પાક નુકસાન થતા આર્થિક સંકટમાં આવતા આપઘાત કર્યો હોવાની પરિવાર પાસેથી માહિતી મળી છે. પાક નુકસાનને લઇ આત્મહત્યા કરી છે કેમ તે અંગે વિંછીયા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.દ્વારકાના ભાણવડના માનપર વિસ્તારના ૩૭ વર્ષીય કરસનભાઈ વાવનોટિયાએ આપઘાત કર્યાના સમાચાર સામે આવ્યા છે. કમોસમી વરસાદથી પાક બરબાદ થતા ખેડૂત પર આર્થિક સંકટ તૂટી પડ્યું હુતં. ગોલ્ડ લોન લઈને ખરીદેલું બિયારણ વરસાદથી નાશ પામતાં કરસનભાઈને ભારે નુકસાન થયું હતું. તેથી માનસિક તણાવ અને નિરાશામાં આવી ખેડૂતે અંતિમ પગલું ભર્યુ હતું. ગીરસોમનાથ જિલ્લાના ઉના પંથકમાં કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જતાં એક ખેડૂતે આત્મહત્યા કરી છે. રેવદ ગામના ૪૯ વર્ષીય ખેડૂત ગફાર.મુસા ઉનડે પોતાની વાડીના કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ખેડૂતે આપઘાત માટે ખતરનાક રીતનો ઉપયોગ કર્યો હતો. તેણે કૂવામાં તરીને બહાર ન નીકળી શકાય એટલા માટે પોતાના શરીરે વીજપોલનો ૩ ફૂટનો ટૂકડો બાંધી દીધો હતો. ઘરે ન આવતા દીકરીએ કાકાને કોલ કર્યો હતો.ખેડૂતની શોધખોળ કરાઈ હતી. જ્યારે ખેતર પહોંચ્યા ત્યારે ખેડૂતનો શર્ટ, મોબાઈલ અને બૂટ કૂવાની ઓરડી પાસે મળી આવ્યા હતા. શંકાના આધારે કૂવામાં મોટરથી પાણી ઉલેચવામાં આવ્યું હતું. ત્યારે મૃતહાલતમાં ખેડૂત મળી આવ્યો હતો. પાક નિષ્ફળ જતાં ખેડૂત ગફાર ઉનડે છેલ્લા દસેક દિવસથી તણાવ અને ડિપ્રેશનમાં હતા. તેમણે મંડળીમાંથી ૨ લાખ રૂપિયાની લોન લીધી હતી અને બે દીકરીઓની સગાઈ કરી હોવાથી તેમના લગ્નની ચિંતા પણ તેમને સતાવી રહી હતી. આર્થિક સંકડામણ અને પાક નિષ્ફળતાના કારણે તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું મનાય છે.







































