નિશાળ છૂટી. વિદ્યાર્થીઓનો કલશોર ચોપાસ પ્રસરાવવા લાગ્યો. આપણે ત્યાં સાત આઠ વર્ગખંડો, સભામંડપ, નાનકડું મેદાનના યુગ્મ સ્વરૂપી શાળાને આવજો કહેવાની પરંપરા નથી. શાળાની આવી ભૌતિક સુવિધાને નિર્જીવ ગણવામાં આવે છે.  ખરેખર !  તો વસ્તુઓ નિર્જીવ છે. પરંતુ, કોઈ પહેલા ધોરણનું બચ્ચું રિસેષમાં તેના શિક્ષકની જેમ ચોકનો ટુકડો લઈને બોર્ડ પર કલમનો ‘ક’ લખે છે ત્યારે ત્યારે એ ક-માંથી સર્જાતાં મેઘ ધનુષ્યના રંગો શ્યામ ફલકને રંગીન બનાવે છે. ખરેખર ચોક ડસ્ટરને સજીવન થવાની ક્ષણો એટલે પહેલા ધોરણના બાળકનો તેને થતો સ્પર્શ છે.
નિશાળનો આજે પહેલો દિવસ હતો. શાળાના શિક્ષક વિચારતા હતા કે લેસનમાં શું કહું…  ત્યાં જ  એક વિદ્યાર્થીએ પૂછ્યું સર, લેસનમાં શું લાવવાનું ?  આંખોથી ચશ્માનું અંતર વધારીને અંતરની વાતો કહેતા શિક્ષક બોલ્યા :  નિશાળ છૂટે પછી સૌ મિત્રો હળી મળીને રમતા હોય તેવો થોડો ‘સંગાથ’ લાવજો. દૂર પહાડોની વચ્ચે ઢળતા સૂરજના ‘ગુલાબી-ગુલાબી રંગો’ને લાવજો.  સંધ્યાના ટાણે કલશોર કરતાં પંખીઓનું એકાદું ‘ગીતડું’ લાવજો.  વાળું ટાણે તાવડીમાં શેકાતા રોટલાનો ‘સ્વાદ’ લાવજો.
સર થોડા અટકીને આગળ વધે છે… બની શકે તો રોટલો શેકતી માવડીનો દાઝેલી આંગળીનું થોડું ‘દર્દ’ પણ લાવજો.  બની શકે તો રાત્રે ખીંટીએ ટીંગાડેલાં તમારા પિતાના શર્ટ માંથી થોડો ‘થાક’ પણ લાવજો. સાગરને કિનારે તમે બનાવેલા મકાનમાંથી થોડી ‘પરિવાર ભાવના’ પણ લાવજો.  શિયાળાના ગુલાબી તડકામાંથી થોડી ‘હૂંફ’ પણ લાવજો. વાટકો ભરીને ગલુને પીવડાવવા આપેલા દૂધ પીવાનાં ચપ ચપ અવાજો  પણ લાવજો. તમારા સપનામાં આવતી પરીઓની વ્હાલી ‘મુસ્કાન’ લેતા આવજો. દફતરમાં સંતાડી રાખેલા મોરપીંછના રંગો જરુર લાવજો. રસ્તો ઓળંગાવતા  બાળકને દાદાની લાકડી બનતા દિઠાં હોય તો, એવી ‘માનવતા’ લેતા આવજો. વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે આવું સઘળું સમેટીને લાવો છો ત્યારે તમારા મિત્રોનો સંગાથ પણ લાવજો. બેસીને આપણે ગોઠડી માંડીશું. લેસનમાં તો આજે બસ આટલું કહું છું તમને થતી તમારી આંખોમાં થતા નવા નવા અનુભવો ને તમારા હૈયામાં અનુભવવાથી વાતો તમારે લેતું આવવાનું છે. પોટલી બાંધીને લઈને આવેલી બધી વાતોને આપણે અહીંયા ખોળીશું. એકબીજાની સાથે ચર્ચા કરીશું. આદાન-પ્રદાનની વાતો અનુભવની વાતો કેળવણીના દ્વારે આપણે ચર્ચા કરીશું…
લેસનમાં શું ? એમ કહીને તમે મને પણ ઘણું લેસન આપ્યું છે. હું પણ મારા ભણાવેલા વિદ્યાર્થીઓના જાજેરા અનુભવો લઈને આવીશ. હું પણ એ વિદ્યાર્થીઓની વાતો તમારી વચ્ચે વહેવડાવીશ.
લંચ બોક્સ…
લેસનમાં શું એમ કહીને આજે મને મુકેશ જોષીનું એક ગીત યાદ આવે છે..
આજે તારો કાગળ મળ્યો..
ગોળ ખાઈને સુરજ ઉગે એવો દિવસ ગળ્યો, આજે તારો કાગળ મળ્યો. એક ટપાલી મૂકે હાથમાં વ્હાલ ભરેલો અવસર
થાય કે બોણી આપું, પહેલાં છાંટું એને અત્તર
વૃક્ષોને ફળ આવે એવો મને ટપાલી ફળ્યો…?
આજે તારો કાગળ મળ્યો.