મોસમનો પહેલો વરસાદ જયારે તરસતી ધરતી પર પડેને ત્યારે એનુ કણે-કણ મહેંકી ઉઠે! અદભૂત અને અંતરથી પણ વ્હાલી અને સૌને પ્રિય માટીની મહેંક… બસ એ જ વરસાદી સુગંધ ઉનાળાના આકરા તાપમાં તપતી ધરતી અને સ્નેહથી જોડાયેલા બે પાત્રો વચ્ચે જયારે વિરહની વેદના ચાલતી હોય ત્યારે કવિની કલમે કલ્પના બોલેઃ ‘‘મારે તો વરસાદની ચપટી સ્નેહની તરસ,
તું ધોધમાર નહી તો ઝરમર તો વરસ.’’ પ્રથમ વરસાદની બુંદો ધરતીની સાથે પ્રકૃતિના દરેક તત્વોમાં જાણે પ્રાણ પૂરે છે. વરસાદમાં કવિતા લખાય કે કવિતામાં વરસાદ લખાય! વરસાદનું ઓચિંતુ વરસવું જાણે સઘળા એંધાણ આપી જાય છે. વરસાદની પહેલી ગર્જના જાણે મોરલાને કહેણ આપી જાય છે. વરસાદની પહેલી બુંદ જાણે ભૂમિને શીતળતા આપી જાય છે. વરસાદની પહેલી સરવાણી જાણે યુવા હૈયાને ધબકાર આપી જાય છે. અને શબ્દોથી સાહિત્યનું ખેડાણ કરતા માલમી કવિઓના મુખે શબ્દો સરી પડેઃ ‘‘રાહ જાવરાવી પણ આખરે આવ્યો તો ખરો, ઓય વરસાદ તું માટીની સુગંધ લાવ્યો ખરો, ધરતી તરસી હતી, ખેડૂત મુંઝવણમાં હતો, પશુ, પક્ષી, જનાવરને મન હરખ ઘણો, હવે વરહજે બાપલીયા મન મૂકીને, જા અવતાર તે મેઘરાજા કેરો ધર્યો, રાહ જાવડાવી પણ આખરે આવ્યો ખરો, ઓય વરસાદ તું માટીની સુગંધ લાવ્યો ખરો!! વરસ વરસ મન મૂકીને વરસ, છીપાવ અમારી તરસ! સઘળી એકઠી કરેલી યાદો ઠાલવ! અવની આતુર જ છે તારી બુંદોને ઝીલવા, જાને કેવો ફેલાવ્યો છે એણે હરીયાળો પાલવ! કયારેક વરસાદની વાટ જાવાતી હોય અને આખો મહિનો કોરો કાઢી નાંખે પછી છેલ્લે દિવસે વરસાદ આવી જાય ત્યારે જાણે ધરતી બોલેઃ એક દિવસનું ચોમાસુ ને..ઓગણત્રીસ દિવસનો બાફ, તોય તું વરસ્યો એ વાતે, જા તારા બધા ગુના માફ! ધરતી અને વરસાદનો આ સંવાદ સંસારના માનવીય સબંધોને પણ લાગુ પડે છે. તો યંત્રવત જીવન જીવતા કેટલાક માનવીય વહેવારો કે સંબંધો જાણે બોલતા હોયઃ આકાશે ધોધમાર બંધાતા રોજ, તોય ઈચ્છા વિનાના સાવ પાંગળા, આપણા સબંધ જાણે, વરસ્યા વિનાના રહ્યા વાદળા તો કોઈ નિસ્વાર્થ ભાવે લખે: ‘‘અંગત ક્ષણોની મહેકમાં સંભારજે મને, કોઈ અજાણ્યા પુષ્પ રૂપે ધારજે મને, ઝળહળતો થઈ જઈશ પછી હું ક્ષણાર્ધમાં, વરસાદની કવિતામાં, કવિતાના વરસાદથી જીવન તારૂ શણગારજે.