રામપુરમાં ચૂંટણીનો માહોલ જામ્યો હતો. આ વખતે ગયા વખતના ઓઘડને જ સરપંચ બનાવશે કે, પછી કહળસંગને. એ અવઢવ ચાલતી હતી. જીવી પણ બધા સાથે પ્રચાર કરવામાં જોડાઈ હતી. જીવીને ડર એ વાતનો હતો કે, જો કહળસંગ સરપંચ બન્યો તો ગામની બેન દીકરીઓનું આવી બન્યું.એ રોયાનો ભરોસો એનું ઘરે ‘ય કરતું નથ. એ કજાડી જાત છે.
ઓઘડે તો ગયા પાંચ વર્ષ માં રામપુરમાં વિકાસના કામ કરી રામપુરને સુવિધાઓથી સજ્જ કરી દીધું હતું. રોડ, રસ્તા,ગટર અને ઘરે ઘરે પાણી.
એક સમય એવો હતો કે, રામપુરમાં કોઈ બીમાર થાય તો દવાખાને પહોંચે એ પહેલાં જ રામ રમી જાય. દવાખાનું તો દૂર હતું. સાથે રસ્તા પણ ઉબડ ખાબડ અને ખાડા હોય તેવા. ગામમાં નિશાળ તો હતી જ નહીં એટલે દીકરીઓને તો ભણાવવાનું જ નહીં, પણ જ્યારે ઓઘડના લગન જીવી સાથે થયા ત્યારે ગામમાં એક ભણેલી ગણેલી વહુ આવી.ઓઘડ સાથે રામપુર ગામનું ભાગ્ય બદલાયું. ગામની દીકરીઓ માટે ભણવાની વ્યવસ્થા બાજુના ગામમાં કરવામાં આવી. રોજ છપ્પન ઇંચ છાતીનો ઓઘડ અને જીવી ગામની દીકરીઓ સાથે જાય અને દીકરીઓને ભણાવી સાથે લેતા આવે.હવે તો છોકરાઓની સાથે ઓઘડને પણ ભણવાના ઓરતા જાગ્યા. એક દિવસ જીવીને કહે ‘ જીવી તને એક વાત કહું.? તું મને ભણાવીશ…!?’ જીવીને તો હરખનો પાર ન રહ્યો. બીજા જ દિવસે નોટ ને પેન થી ઓઘડના ભણવાના શ્રી ગણેશ થયા.દીકરીઓને મૂકવા જાય ત્યાં બહાર બેસી જીવી ઓઘડને ભણાવે. એક પછી એક પરીક્ષામાં ઓઘડ પાસ થવા લાગ્યો. છેલ્લે દશમાં ધોરણની પરીક્ષા આપી.દશમાં ધોરણમાં આખા રામપુરમાં ઓઘડ પહેલા નંબરે પાસ થયો. હવે તો એ પણ ગામના છોકરાઓને ભણાવતો.
એક દિવસ બપોરના સમયે ઓઘડને ભાત પીરસતા જીવી કહે ‘તમે ખોટું ના લગાડો તો એક વાત કહું..‘ઓઘડ કહે ‘એમાં શું ખોટું લગાડવું તારે જે કહેવું હોય તે કે..!’ જીવી કહે ‘ હમણાં સરપંચ ની ચૂંટણી આવે છે. જો તમે ચૂંટણીમાં ઊભા રહો તો રામપુર ગામનો ઉધ્ધાર થાય.’ ઓઘડ કહે ‘ “જીવી તું બીજી વાત કર, મને રાજકારણમાં જરાય રસ નથી. આટલાં વરસ માંડ કાઢ્યાં છે. મને ખોટું કરવું ગમે નહિ અને આવડે પણ નહી.’ “જીવી કહે ‘
“એટલે જ તો…! તમે સાચી રીતે કામ કરશો. એટલે તો ગામમાં રામ રાજ્ય આવશે. ઉતાવળથી નહી.વિચારીને કહેજો.”જીવીની વાતથી આખી રાત ઓઘડ ને નીંદર ના આવી.સવારે ઉઠી નાહીને સીધો માતાજીના મંદિરમાં..’ હે..મેલડીમાં..ખરેખર તમને પણ એવું લાગે છે કે હું સરપંચ બનું.’ ત્યાં તો રામુ દોડતો આવ્યો “ઓઘડભાઈ દોડો આપણાં ગામના મુખીબાપાને એટેક આવ્યો છે. ને તમને બોલાવે છે.” ઓઘડે તો ઉઘાડા પગે દોટ મૂકી ત્યાં જોવે તો મુખીબાપાના છેલ્લા શ્વાસ ચાલતા હતા. ઓઘડને જોતા તેનો હાથ પકડીને કહે ,”ઓઘડ તે આ ગામની દીકરીઓ માટે ઘણું કર્યું છે. વળી તું ભણેલો પણ છે. તો હવે પછી તું સરપંચ બની ગામની કાયાપલટ કર.”હજુ ઓઘડ કંઈ બોલે એ પહેલાં તો મુખીબાપાના શ્વાસ જતાં રહ્યા. થોડાં દિવસો પછી ગામમાં સરપંચની ચૂંટણી આવી અને ઓઘડ જીતીને રામપુર ગામનો સરપંચ બન્યો. વાજતે ગાજતે ઓઘડનું સ્વાગત કરવામાં આવ્યું. ધીમે ધીમે ગામની એક પછી એક સમસ્યાનું નિવારણ શરૂ થયું. ગામમાં આરોગ્ય કેન્દ્ર ખોલવામાં આવ્યું અને ડોકટરની ટીમ પણ ગામમાં રહેવા લાગી.ગામમાં જ સરકારી નિશાળ ખુલી એટલે દીકરા દીકરીઓને ભણતર ગામમાં જ મળવા લાગ્યું. ગામમાં પાણીની સમસ્યા હતી તો નર્મદાના નીર આવતા ખેતીનો પાક બમણો થયો.લોકોની સમૃદ્ધિ વધવા લાગી . પણ સારા કામમાં સો વિÎન આવે. ગામમાં દારૂબંધી લાવવાથી ઓઘડના ઘણા દુશ્મન પણ બની ગયા હતા. જોત જોતામાં પાંચ વર્ષ પૂરા થયા અને સરપંચની ચૂંટણી આવી ગઈ. પણ આ વખતે દારૂ વેચનારો કહળસંગ સામે પડ્‌યો હતો. ગામમાં તરહ તરહની વાતો થતી હતી. ફોર્મ ભરવાની અંતિમ તારીખ આવીને ખબર નહી કહળસંગને શું થયું. એ ફોર્મ ભરવા ના ગયો. રામુ દોડતો દોડતો આવ્યો ઓઘડના ઘર તરફ.ઓઘડ તો છોકરાઓને ભણાવતો હતો.”ઓઘડભાઈનો જય હો..!ઓઘડભાઈ નો જય હો…!”બોલતા બોલતા બેસી ગયો. ત્યાં જ જીવી બહાર આવીને કહે ‘ “એ રામુ શું તારા ભાઈની જય બોલાવે છે. એ ચૂંટણી જીતે ત્યારે જય બોલાવજે હો..!”
” અરે..!, જીવીબુન ઓઘડભાઈ ચૂંટણી જીતી ગયા સે. કહળસંગે ફોર્મ ભર્યું જ નથી. ગામમાં વાત થાય છે કે હવે ગામમાં ચૂંટણી થાશે જ નહીં. ઓઘડભાઈ જ આપણાં સરપંચ રહેશે. એટલે તો હું દોડતો દોડતો ઓઘડભાઈને સમાચાર દેવા આવ્યો શું. “ઓઘડ જીવીની સામે જોઈ બોલ્યો “જોયું જીવી આજે પાછો ગામે આ છપ્પનની છાતી પર ભરોસો કર્યો. આ ભરોસાને તૂટવા નહીં દઉં. મા મેલડી મને આશીર્વાદ આપે.” ઓઘડે પગરખાં પહેર્યા અને સરપંચની ઓફિસે જવા રવાના થયો.પાછળ ગામલોકો ગાતાં હતાં.
“વાગે..વાગે..શરણાઈને ,વાજા..!
આવે..આવે..છે,રામપુરના રાજા.”
જાણે ગામમાં હરખની હેલી આવી.
મૂળવાર્તા:- ડા પ્રીતિ કોટેચા, પોરબંદર.
રી રાઈટ:- કાળુભાઈ ભાડ, અમરેલી.