બાબરા શહેરના વોર્ડ નં. ૬, આશરાનગર વિસ્તારમાં આવેલ ઘંટી પાસેનો મુખ્ય માર્ગ વરસાદી પાણીના ભરાવા અને માટી ટાંચ નાખવાના કારણે હાલ ખૂબ જ ખરાબ હાલતમાં છે. રસ્તા પર કાદવ અને કીચડ છવાઈ જવાથી સ્થાનિક નાગરિકોને રોજિંદી અવરજવર દરમિયાન ભારે મુશ્કેલી પડી રહી છે. આ બાબતને ધ્યાનમાં લઈ શહેર ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ બાબુભાઈ રંગપરા (મુ. બાબરા, ઠે. આશરાનગર) એ તા. ૦૩/૧૦/૨૦૨૫ના રોજ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે. તેમણે રજૂઆતમાં જણાવ્યું છે કે આ માર્ગ પરથી સ્કૂલે જતા બાળકો, વૃદ્ધો તથા વાહન ચાલકોને મોટું જોખમ રહે છે. કીચડના કારણે મોટરસાયકલ સ્લીપ થવા જેવી ઘટનાઓ બને છે. તેથી તાત્કાલિક સ્થળ તપાસ કરી કાદવ-કીચડ દૂર કરી રસ્તાનું સમારકામ કરવા પગલા લેવા જોઇએ.





































