ગુજરાતમાં તાજેતરમાં એક પુલ દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યના નબળા પડી ગયેલા વિવિધ પુલને બંધ કરવા માટે સરકારે તજવીજ હાથ ધરી હતી. જેમાં ધોરાજી તાલુકાના વેગડી ગામ પાસે આવેલ ભાદર નદીના ઓવરબ્રિજને પણ તંત્ર દ્વારા ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવેલ છે. જ્યારે નાના વાહનોને પુલ પરથી પસાર થવા માટે ખુલ્લો રખાયો છે. પુલના બંને છેડા પર રોડ ઓથોરિટી દ્વારા નાના વાહનચાલકો માટે જાણે પર્વત સમાન હોય તે પ્રકારે બમ્પ બનાવવામાં આવેલ છે. જેમાં
બમ્પ પર સફેદ કલરના પટ્ટા મારવા, તેની ઊંચાઈ અને પહોળાઈનું ધ્યાન રાખવું જેવા કોઈ પણ નિયમની પરવા કર્યા વિના આડેધડ બમ્પ બનાવી દેવામાં આવતા વાહનચાલકો માટે આ જોખમ સમાન બની ગયા છે. નાની કાર હોય તો કારની નીચેના ભાગને નુકસાન થાય છે તે પ્રકારે અણઘડ રીતે બમ્પ બંને તરફ બનાવવામાં આવતા લોકોને મુશ્કેલી વધી છે. આમ, પુલની બંને તરફના બમ્પને નાના વાહનોને અનુરૂપ નાની સાઈઝના બનાવી તેના પર સફેદ પટ્ટા મારી રેડિયમની લાઈટો લગાવી લોકોનું ધ્યાન પડે તે પ્રકારે કરવા જોઈએ તેવી વાહનચાલકોની માગણી છે.







































