તેલંગાણા કેબિનેટે બે કરતાં વધુ બાળકો ધરાવતા લોકોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવતા નિયમને સૈદ્ધાંતિક રીતે દૂર કરવાનો નિર્ણય લીધો છે. ગુરુવારે મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા, મહેસૂલ મંત્રી પી. શ્રીનિવાસ રેડ્ડીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે કોંગ્રેસ સરકારના બે વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ૧ થી ૯ ડિસેમ્બર દરમિયાન ‘પ્રજા પાલન-પ્રજા વિજયોત્સવમ’ ઉજવણીનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે.
મંત્રીએ કહ્યું, “કેબિનેટે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડવા માટે બે કરતા વધુ બાળકો ધરાવતા ઉમેદવારો પરનો પ્રતિબંધ હટાવવા પર પુનર્વિચાર કર્યો. જ્યારે વસ્તી નિયંત્રણના પગલાં કડક રીતે લાગુ કરવામાં આવી રહ્યા છે, ત્યારે પ્રતિબંધ લાગુ કરવાની કોઈ જરૂર નથી. મંત્રીમંડળની બેઠકમાં આવો મત વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેથી, કેબિનેટે પ્રતિબંધ હટાવવા માટે સૈદ્ધાંતિક રીતે સંમતિ આપી.”બેઠકે ત્રણ નવી કૃષિ કોલેજાની સ્થાપનાને મંજૂરી આપી, જે હુઝુરનગર, કોડંગલ અને નિઝામાબાદમાં સ્થિત હશે. હૈદરાબાદ મેટ્રો રેલના વિસ્તરણ કાર્યને ઝડપી બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો. સરકારે એલએન્ડટી પાસેથી મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ ૧ મેળવવાની શક્્યતાનો અભ્યાસ કરવા માટે વરિષ્ઠ અધિકારીઓની એક સમિતિ બનાવવાનો નિર્ણય લીધો છે.








































