આપણે ત્યાં એક કહેવત છે કે ‘‘જાન હૈ તો જહાન હૈ’’ એટલે કે માણસ જીવતો હશે તો બધુ કરી શકશે. જીવનના આટાપાટામાં પીસાતો માણસ જયારે આર્થિક, સામાજિક કે કૌંટુબિક પ્રશ્નોથી કંટાળીને જિંદગીથી હારી જાય છે અને જીવન ટૂંકાવવાના ટૂંકા રસ્તા એના મનમાં ઘુટાવા લાગે ત્યારે કોઈ સ્વજન, સ્નેહી કે મિત્રને એની હકીકત સાથેની દાસ્તાન કહે છે ત્યારે સ્વજન, સ્નેહી કે મિત્ર એને દિલાસો આપવા ઉપરની કહેવત યાદ કરાવે છે અને અવળુ પગલુ ભરતા અટકાવે છે. અહીં જિંદગીની ચાર લાઈન આવા કંટાળી ગયેલા હારી ગયેલા, નાસીપાસ થયેલા, મનમાં ને મનમાં મુંઝાતા અને પોતાના પર અસંખ્ય ભાર રાખતા માટે છે. તે પોતે જ આ સમસ્યાનો ઉકેલ લાવે તો જ આ બધુ ચાલશે એવો અહમ અને વહેમ લઈને ફરવાના કારણે દુઃખી થતા કે હેરાન થવાની ફરિયાદ કરતા લોકો માટે રામબાણ ઈલાજ સમી છે. જિંદગી જીવવા માટે છે. એની પ્રત્યેક પળને આપણા કાર્યક્ષેત્રના દાયરામાં રહીને માણવાની હોય છે. એને સમજવામાં સમય બગાડવા કરતા એ સમયને મોજથી માણી લેવો જાઈએ. ઘણા લોકો ડગલે અને પગલે પ્રશ્નો કરતા હોય છે. આવુ કેમ? મારે શુ સમજવુ? હું શું કરૂ? એણે આમ કેમ કર્યુ? વગેરે પ્રકારના પ્રશ્નો સતત એના મનને મૂંઝવતા હોય છે. પરંતુ એનુ સોલ્યુશન બીજા કોઈ પાસે હોતુ નથી. એની પોતાની સમજણ, એજ એનું સોલ્યુશન. ચાલતા સમય સાથે આપણે પણ ચાલવુ પડે છે. જા આપણે આપણી માન્યતાઓ, રૂઢિઓ અને સમય અભાવનો છેડો પકડી રાખીને એક જગ્યાએ ખોડી દેશું તો દુઃખી થઈશુ. સમયને બદલવાની કોશિશ કરવા કરતા ખુદના સ્વભાવને બદલવાની કોશિશ કરીશુ તો ઘણી રાહત થશે. તેમ છતા કંઈ નાની મોટી મુશ્કેલી આવે તો અંદરને અંદર ગુંગળાવાના બદલે દિલ ખોલીને યોગ્ય જગ્યાએ વ્યકત થઈ જવુ વ્યવહારિક ઉકેલનું પ્રવેશદ્વાર ખોલી દેશે. અને આપણાથી થાય એટલા સારા કાર્યો કરવા, પ્રશ્નો ઉકેલવા પણ બધું ઉકેલવાને બદલે કેટલીક બાબતો ઈશ્વર પર છોડી દેવી. પછી જુઓ હળવાશથી જીવવાની મજા જ આવશે. અરમાન જિંદગીના પુરા થાય તોય ઘણુ છે! બે ચાર કામ સારા થાય તો ઘણુ છે! મુશ્કેલ જિંદગીની તો મજા છે! જીગરથી જામ એનો ઝીરવાય તો ઘણુ છે!!

તુ જિંદગીને જીવ, એને ‘‘સમજવાની’’ કોશિશ ના કર,
ચાલતા સમય સાથે તું પણ ચાલ
સમયને ‘‘બદલવાની’’ કોશિશ ના કર
દિલ ખોલીને તું શ્વાસ લે
અંદર ને અંદર ‘‘ગુંગળાવાની’’ કોશિશ ના કર
કેટલીક વાતો તું ઈશ્વર પર છોડી દે
બધુ પોતે ‘‘ઉકેલવાની’’ કોશિશ ના કર