જમ્મુ કાશ્મીરના જાજીલા નજીકમાં એક ટેક્સી ઊંડી ખીણમાં ખાબકી જતા ૯ લોકોના મોત થયા છે. અધિકારીઓએ ગુરૂવારે તેની જાણકારી આપી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બુધવારે મોડી રાત્રે એક ટેક્સી શ્રીનગર-લેહ રાષ્ટ્રીય રાજમાર્ગથી લપસીને ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી. જાજીલા નજીક લગભગ ૩,૪૦૦ મીટરની ઊંચાઈ પર છે.
પોલીસે જણાવ્યું કે, પોલીસ, સેનાના જવાન, અને સ્થાનિક નાગરિકો દુર્ઘટનનો શિકાર બનેલા લોકોની તપાસ કરી રહ્યા છે. ઘટના વિશે હજુ વિસ્તૃત જાણકારી નથી મળી.
આ અગાઉ જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર એક નિર્માણાધીન સુરંગનો ભાગ તૂટી પડતાં ૧૦ લોકોનાં મોત થયાં હતાં. ગુરુવારે રાત્રે અચાનક ભૂસ્ખલન થતાં નવ મજૂરો કાટમાળમાં ફસાયા ગયા હતા.
સુરંગ એક નવી શરૂ કરવામાં આવેલી પરિયોજના હતી અને માત્ર ૩થી ૪ મીટરનું ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યાં જ રાત્રે લગભગ ૧૦.૧૫ વાગ્યે ભૂસ્ખલન થયું હતું જેમાં કામ કરતા મજૂરો ફસાય ગયા હતા. ભૂસ્ખલનમાં અનેક ટ્રક અને ખોદકામ માટે વપરાતા અન્ય વાહનોને પણ નુકશાન થયું હતું.
જમ્મુ કાશ્મીરમાં થયેલા અકસ્માતમાં સુરતના યુવકનું મોત નીપજ્યું હતું. ૩૬ વર્ષીય ટુર સંચાલક અંકિત સંઘવીનું મોત જમ્મુ કાશ્મીરમાં મોત નીપજ્યું હતું. અંકિતના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. તેના પરિવારમાં માતા પિતા સહિત પરિવારમાં એક બહેન અને ભાઈ પણ છે. ગત મોડી રાત્રે દુર્ઘટના બની હોવાની માહિતી શ્રીનગરની સ્થાનિક પોલીસે આપી હતી. શ્રીનગર પોલીસે અંકિતના મોબાઈલ પર છેલ્લા ડાયલ કોલ પર ફોન કર્યો હતો. અંકિતના ભાઈ અને પિતા દિલ્હી જવા રવાના થયા છે.