તમારી આંખોનો એક એવો વિરામ કે જ્યાં તમને ગ્રામ્ય જીવન નો પરિવેશ માણવા મળે. તમારા મસ્તિષ્કને તરબતર કરતી કાઠીયાવાડી વાર્તાનો લહેકો મળે. એ…ય…ને…. તમે કોઈ ગામના ચોરે બેઠા હોવ અને અલકમલકની વાતો થતી હોય તેવી વાતો મન ભરીને સાંભળવા મળે.
એમની વાર્તાઓમાં કૂવે પાણી ભરતી પનિહારી ની સૂર્યકિરણે ચળકતી હેલ મળે. એમની વાર્તાઓમાં બે પ્રેમીઓના સહિયારા જીવતરનો કોલ મળે.  તહેવાર છે તેમની વાર્તામાં. વ્યવહાર છે તેમની વાર્તામાં. છેલ છબીલો ગુજરાતી મળશે એમની વાર્તાઓમાં. તમારા મનને મોર બની થનગાટ કરાવવો હોય તો તેમની વાર્તાઓમાં ભફિંગ દઇને ધૂબાકો મારવો પડશે.
એમની વાર્તામાં વાડીનું અને જીવતરનું ભાથું એકસાથે ખુલશે. એમની વાર્તામાં સૂરજની સાથે ખાધેલા સમ મળશે. ઠંડી મળશે વહેલી સવારની તો વહેલી સવારનું તાપણું અને કોક વખત આપણું મળી આવશે વાર્તામાં.
તેમની વાર્તામાં વિઠ્ઠલ તીડીનો એક્કો દુગ્ગીને તિગ્ગી મળશે. તમને કણબી ભરત ભરેલી ઓઢણીમાં પિયુ મિલનની નાર મળશે. શાળા મળશે. શાળાના બાળકોનો કલશોર સંભળાશે કહાનીઓમાં. તેમની વાર્તાઓમાં વ્યથા છે, આંબા ડાળે ટહુકતી કોયલ છે, મીઠાશ ભર્યા શબ્દો-કહાવતો છે, ઝળહળતો દીવડો છે, ચાંદની છે, ગાઈડેડ મિસાઈલ પણ છે…
હું વાત કરી રહ્યો છું કાઠીયાવાડી કલમના મિજાજી લેખક શ્રી મુકેશ સોજીત્રાની. હું વાત કરી રહ્યો છું… ટૂંક સમયમાં જ તેમનું પ્રથમ પુસ્તક પ્રકાશિત થવા જઈ રહ્યું છે. ‘ચોકલેટ અને બીજી વાતો’ના સર્જક મુકેશ સોજીત્રાની. હું મારા મિત્રો અને સર્વે વતી મુકેશભાઇના પુસ્તકને રુદીયાના રાજીપે આવકારું છું, સ્વાગત કરું છું.
યાદ કરો એ દિવસ કે જ્યારે વિઠ્ઠલ તીડી નામની વૅબ સિરીઝ બની. ગુજરાત ભરના જાણ્યા-અજાણ્યા તમામ શિક્ષકોએ મુકેશભાઈને આવકાર્યા છે. તેમને મળતો રૂડો આવકારનું કારણ તે પોતે અને તેમની વાર્તાઓ છે. હું ઇરછું કે એક પછી એક તેમના પુસ્તકો પ્રકાશિત થતા રહે અને વાચકોનો પ્રેમ મળતો રહે.
ગુજરાતી ભાષાના તળપદા શબ્દો ને ઠરીઠામ થવાનું ઠેકાણું એટલે મુકેશ સોજીત્રા ની વાર્તાઓ.  મુકેશભાઈ સોજીત્રા ને સળંગ પાંચ વર્ષ સુધી ઢસા ગામ ની તાલીમમાં અમે માણ્યા છે.  મુકેશ સોજીત્રા તળપદી ભાષા ઉપરાંત અંગ્રેજીના પણ સારા જાણકાર છે.
તેમનું અંગ્રેજી વાંચન પણ ખાસ્સુ ગણાવી શકાય. તેઓ ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરી જાણે છે. હાલ ભંડારિયા ગામમાં પ્રાથમિક શિક્ષક તરીકે કાર્યરત છે. બાળકોને ભણાવવા તેવો હંમેશા ઈનોવેટીવ શિક્ષક ની ભૂમિકા ભજવી રહ્યા છે.
ઝાઝી વાત એ ગાડા ભરાય એ ન્યાયે ટૂંકમાં કહું તો વાર્તા લખવાનો કોઈ તપસ્વી લેખક શોધવો હોય તો એ મુકેશ સોજીત્રા છે. શબ્દોની ધૂણી ધખાવી છે અને નિત્ય સમયની-રિયાઝની આહુતિ આપી સમાજને બહેતર બનાવવા મથે છે. જય હો મુકેશભાઈ. ચોકલેટ અને બીજી વાતો ને અમો ખાશું, વાંચીશું,  વહેચીશું.
જો ઝંખના મરી જશે તો વારતા પતી જશે, ને જીવ ઝળહળી જશે તો વારતા પતી જશે.
તું હા કે ના કહે નહીં – છે ત્યાં સુધી  મજા મજા,
જવાબ જો મળી જશે તો વારતા પતી જશે.
લંચબોક્ષ
મુકેશભાઇ ઘરનું નામ ‘હાશ’ છે. કેટલાક લોકો ઘરમાં પ્રવેશે અને શબ્દો સરી પડે…. ‘હાશ.’ કેટલાક લોકોના ઘર એવા હોય કે એ પોતે ઘરની બહાર નીકળે ત્યારે બોલી ઉઠે…. ‘હાશ.’ !!!