આજે ગુજરાતનો સ્થાપના દિન છે. ૧ મેએ ગુજરાતની સાથે સાથે મહારાષ્ટ્રનો પણ સ્થાપના દિવસ છે. દેશનાં બે સૌથી સમૃધ્ધ અને સૌથી વિકસિત એવાં બે રાજ્યો એક સાથે ૧ મે, ૧૯૬૦ના રોજ અસ્તિત્વમાં આવ્યાં હતાં. એ પહેલાં મહારાષ્ટ્ર અને ગુજરાત બંને મુંબઈ સ્ટેટનો હિસ્સો હતા. મુંબઈ સ્ટેટનું વિભાજન કરીને ભાષાના આધારે બે નવાં રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં તેમાંથી એક મહારાષ્ટ્ર કહેવાયું અને બીજું ગુજરાત બન્યું. ગુજરાત અને મહારાષ્ટ્ર અસ્તિત્વમાં આવ્યાં એ પહેલાં બંને રાજ્યોની રચના માટે ઉગ્ર આંદોલનો થયેલાં અને મોટી સંખ્યામાં લોકો મરાયાં હતાં. જવાહરલાલ નહેરૂ સરકારે જસ્ટિસ ફઝલ અલીના વડપણ હેઠળ રાજ્યોની પુનર્રચના માટે સ્ટેટ રિઓર્ગેનાઈઝેશન કમિશન રચેલું.
આ કમિશને ૧૯૫૫માં રાજ્યોની પુનઃરચના માટેનો અહેવાલ રજૂ કર્યો તેમાં ભાષાના આધારે રાજ્યો રચવાનો સિધ્ધાંત સ્વીકાર્યો હતો. તેના કારણે દક્ષિણ ભારત સહિત સમગ્ર દેશમાં અલગ અલગ ભાષાનાં લોકો માટે અલગ અલગ રાજ્યો બન્યાં પણ મુંબઈ રાજ્યને ગુજરાતીભાષી તથા મરાઠીભાષી એમ બે બે ભાષા બોલતાં લોકો રહેતાં હોય એવું દ્વિભાષી રાજ્ય રાખવાનું સૂચન કરાયું હતું. આ સૂચનના કારણે ગુજરાતીભાષી તથા મરાઠીભાષી એમ બંને પ્રજા ભડકી અને સંયુક્ત મહારાષ્ટ્ર તથા મહાગુજરાત આંદોલન શરૂ થયાં. ૧૯૫૬માં શરૂ થયેલું આ આંદોલન લગભગ પાંચ વર્ષ ચાલ્યું. ભારે રાજકીય દાવપેચ થયા, મમતના ખેલ ખેલાયા પણ અંતે તેનું પરિણામ ગુજરાત અને મહારાષ્ટ્ર એ બે રાજ્યોની રચનામાં આવ્યું.
મહારાષ્ટ્ર અને ગુજરાત સ્થાપનાનાં ૬૫ વર્ષ આજે પૂરાં કરી રહ્યાં છે ત્યારે બેમાંથી કોણ આગળ નીકળી ગયું છે ?
થોડીક સરખામણી કરી લઈએ. મહારાષ્ટ્ર કરતાં ગુજરાત આજે વધારે સમૃધ્ધ છે. વસતી અને ક્ષેત્રફળ બંને પ્રમાણે મહારાષ્ટ્ર ગુજરાત કરતાં લગભગ દોઢું છે. મહારાષ્ટ્રનું ક્ષેત્રફળ લગભગ ૩.૦૭ લાખ ચોરસ કિલોમીટર છે તેની સામે ગુજરાતનું કુલ ક્ષેત્રફળ ૧.૯૬ લાખ ચોરસ કિલોમીટર છે. મહારાષ્ટ્રની વસતી લગભગ ૧૨ કરોડ છે જ્યારે ગુજરાતની વસતી ૭ કરોડની આસપાસ છે.
મહારાષ્ટ્રનું ક્ષેત્રફળ અને ગુજરાતથી વધારે છે એ મુદ્દો મહત્વનો નથી કેમ કે સમૃધ્ધિ વસતી કે ક્ષેત્રફળને આધારે નહીં પણ સ્ટેટ ગ્રોસ કેપિટલ પ્રોડક્ટ્‌સ (એસજીડીપી) અને પર કેપિટા ઈનકમ (માથાદીઠ આવક)ના આધારે નક્કી થાય છે.
અત્યારે ભારતમાં રાજ્યોમાં મહારાષ્ટ્રની સ્ટેટ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ સૌથી વધારે છે. મહારાષ્ટ્રની સ્ટેટ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ૩૯.૭૯ લાખ કરોડ રૂપિયા છે તેથી મહારાષ્ટ્ર આર્થિક રીતે નંબર વન છે. બીજા નંબરે ૨૮.૩ લાખ કરોડ રૂપિયાની સ્ટેટ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ સાથે તમિલનાડુ છે જ્યારે ત્રીજા નંબરે ૨૫.૬૨ લાખ કરોડ રૂપિયાની સ્ટેટ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ સાથે ગુજરાત છે. ગુજરાત કરતાં મહારાષ્ટ્રની જીએસડીપી લગભગ ૬૦ ટકા વધારે છે પણ માથાદીઠ આવકની રીતે ગુજરાત ઘણું આગળ છે.
ભારત સરકારના આંકડા પ્રમાણે, ૨૦૨૧-૨૨ના મહારાષ્ટ્રમાં માથાદીઠ આવક ૨.૧૫ લાખ રૂપિયા હતી જ્યારે ગુજરાતની માથાદીઠ આવક ૨.૪૧ લાખ રૂપિયા હતી એ જોતાં ગુજરાત વધારે સધ્ધર અને સમૃધ્ધ છે. ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસદર કરતાં પણ ઘણો વધારે છે. તેના કારણે ગુજરાત વધુ સધ્ધર છે અને ભવિષ્યમાં મહારાષ્ટ્રને ઓવરટેઈક કરી શકે છે.
મહારાષ્ટ્ર પાસે બોલીવુડ છે, દેશની મોટા ભાગની કોર્પોરેટ કંપનીઓના હેડક્વાર્ટર હોવા છતાં માથાદીઠ આવકમાં મહારાષ્ટ્ર પાછળ રહી ગયું તેનું કારણ એ છે કે, મહારાષ્ટ્રના ગણતરીના શહેરોને બાદ કરતાં જોરદાર વિકાસ થયો નથી જ્યારે ગુજરાતમાં સર્વાંગી વિકાસ થયો છે. મહારાષ્ટ્રમાં મુંબઈ, પૂણે જેવાં શહેરોને બાદ કરતાં બાકી બધે સમસ્યાઓ જ સમસ્યાઓ છે. ખેડૂતોએ આપઘાત કરવા પડે છે ને આંદોલનો કરવાં પડે છે. ગુજરાતમાં એવી સ્થિતિ નથી. મહારાષ્ટ્ર ૧ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાનું લક્ષ્ય પાર પાડનારું પહેલું રાજ્ય બની શકે છે પણ તેનો વિકાસ બધા જ લોકોને લાભ કરાવે એવો નથી.
ગુજરાત અને મહારાષ્ટ્ર ભૌગૌલિક રીતે ભલે અલગ થયાં પણ બંને રાજ્યો હજુય એકબીજાનાં પૂરક છે. મહાગુજરાત અને મહારાષ્ટ્રના આંદોલન વખતે મરાઠીભાષી કે ગુજરાતીઓને હિંસાનો ભોગ નહોતા બનાવાયા ને એ સ્થિતી આજે પણ છે. દેશના બીજાં વિસ્તારોમાં ભાષાકીય આધારે રાજ્યોની માગણી સમયે બીજી ભાષા બોલનારા લોકોને નિશાન બનાવીને હિંસા થઈ હતી પણ ગુજરાત કે મહારાષ્ટ્રમાં આંદોલન સમયે એવું કશું ના થયું.
દેશના બીજા ભાગ્યોમાં નવા રાજ્યોની રચના પછી પ્રજાએ મોટા પ્રમાણમાં સ્થળાંતર કર્યું પણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં એવું ના થયું. ગુજરાતના વિસ્તારોમાં રહેતા મરાઠીભાષી ગુજરાતમાં જ રહ્યા ને ગુજરાતીઓ મહારાષ્ટ્રમાં જ રહ્યા. મુંબઈ અને પૂણેમાં મોટા પ્રમાણમાં ગુજરાતીઓ રહેતા હતા એ બધા મહારષ્ટ્રમાં જ રહ્યા ને સુરત તથા વડોદરામાં રહેતી મરાઠીભાષીઓની વસતી પણ ગુજરાતમાં જ રહી. ના મહારાષ્ટ્રમાં કોઈએ ગુજરાતીઓને પરેશાન કર્યા કે ના ગુજરાતમાં મરાઠીભાષીઓને નિશાન બનાવાયા.
મહારાષ્ટ્રમાં મુંબઈ પછી પૂણે એવું બીજું શહેર છે કે જ્યાં ગુજરાતી મોટા પ્રમાણમાં રહેતા હોય. મહારાષ્ટ્રમાં મુંબઈ અને પૂણે છે તો ગુજરાતમાં સુરત અને વડોદરા છે. સુરત મહારાષ્ટ્રની નજીક છે તેથી બંને રાજ્યો અલગ નહોતાં થયાં ત્યારે લાખોની સંખ્યામાં લોકો અહીં આવ્યા ને પછી સુરતમાં જ વસી ગયા. સુરતમાં આજે કુલ વસતીમાં ૨૫ ટકાની આસપાસ વસતી મરાઠીભાષીઓની છે.
લિંબાયત, ઉધના, ડિંડોલી વગેરે વિસ્તારો મરાઠીઓની બહુમતી ધરાવતા વિસ્તારો છે. આ વિસ્તારમાં મરાઠી અને ગુજરાતી પ્રજા એ હદે એકબીજા સાથે ભળેલી છેકે કોઈ ભેદ જ ના પાડી શકાય. ગુજરાતમાં સુરત પછી વડોદરા એવું બીજું મોટું શહેર છે કે જ્યાં મરાઠીભાષી મોટા પ્રમાણમાં રહેતા હોય. વડોદરા એક સમયે ગાયકવાડ વંશની રાજધાની હતી તેના કારણે મોટી સંખ્યામાં મરાઠીભાષી વડોદરામાં આવીને વસ્યા. તેમની પેઢીઓ પણ વડોદરામાં જ સ્થાયી થઈ ને આજે વડોદરા પણ નોંધપાત્ર મરાઠીભાષીઓની વસતી ધરાવે છે. આ ચારેય શહેરો ગુજરાતી અને મરાઠીભાષીઓની ભેદરેખાને નાબૂદ કરતાં શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ ચારેય શહેરોનું જનજીવન અને અર્થતંત્ર મરાઠીભાષી અને ગુજરાતી પ્રજાની સંયુક્ત મહેનતથી ચાલે છે.
ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતી કડી મુંબઈ હતી અને આ કડી કદી તૂટી નહીં. મુંબઈનું અર્થતંત્ર આખું ગુજરાતીઓ અને મરાઠીભાષીઓની સંયુક્ત તાકાતના કારણે ધિંગું બન્યું. ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોય કે માર્કેટ હોય પણ બંને પ્રજા સાથે જોવા મળે છે. કોઈ પણ પ્રકારની કડવાશ કે ભેદભાવ વિના બંનેએ સહઅસ્તિત્વને સહજતાથી સ્વીકારી લીધું છે.
મુંબઈમાં ભાગ્યે જ એવો ગુજરાતી મળશે કે જેને મરાઠી ના આવડતી હોય. મુંબઈમાં બહુ ઓછા મરાઠીભાષી પણ એવા હશે કે જેમને ગુજરાતી ના આવડતી હોય. મુંબઈમાં ગુજરાતીઓ તથા મરાઠીભાષીઓ એકબીજા સાથે હળીમળીને રહે છે એવો સદભાવ દેશમાં બીજા કોઈ શહેરમાં બે અલગ અલગ ભાષાનાં લોકો વચ્ચે જોવા નથી મળતો. ભાષા જ નહીં પણ પરસ્પર એકબીજાની આદતો કે જીવનશૈલીને પણ બંનેએ બહુ સહજતાથી સ્વીકાર્યાં છે. બંને પ્રજાએ એકબીજાની સારી વાતોને સહજતાથી સ્વીકારી લીધી હોય, આજે બંને પ્રજાને તેના વિના ચાલતું નથી. મરાઠીભાષી લોકોમાં પ્રિય મુંબઈના વડાપાઉંને ગુજરાતીઓએ સહજતાથી અપનાવ્યા છે ને આજે એ બંને પ્રજાના છે. ગુજરાતી થેપલાં, ઢોકળાંને મરાઠીભાષીઓએ એટલી સહજતાથી અપનાવ્યા છે ને અત્યારે બંને પ્રજા હોંશથી આરોગે છે.
હિંદુત્વની વિચારધારાએ પણ ગુજરાત અને મહારાષ્ટ્રને એક રાખ્યાં છે.
ગુજરાત મૂળ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ અને કર્મભૂમિ હતી તેથી આઝાદી પહેલાંથી કોંગ્રેસનો પ્રબળ પ્રભાવ રહ્યો. બીજી તરફ મહારાષ્ટ્ર હિંદુત્વની વિચારધારાને પ્રબળ બનાવનારું રાજ્ય છે. લોકમાન્ય ટિળકે દેશની આઝાદીની લડત વખતે ગણેશોત્સવ શરૂ કરાવ્યા હતા. મહારાષ્ટ્રમાં આ ગણેશોત્સવ અત્યંત લોકપ્રિય થયા ને મહારાષ્ટ્રની તો ઓળખ જ બની ગયા. મહારાષ્ટ્ર મૂળે છત્રપતિ શિવાજી મહારાજની જન્મભૂમિ છે તેથી હિંદુત્વનો પ્રભાવ હતો જ. લોકમાન્ય ટિળકે તેને ફરી જીંવત કર્યો ને તેમાંથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ.
મહારાષ્ટ્રમાં ઉદ્‌ભવેલી હિંદુત્વની વિચારધારાને ગુજરાતે સહજતાથી અપનાવી છે. લોકમાન્ય ટિળકે શરૂ કરેલા ગણેશોત્સવને ગુજરાતમાં લોકોએ સહજતાથી અપનાવ્યા ને સંઘને પણ સહજતાથી અપનાવ્યો. તેના કારણે હિંદુત્વની વિચારધારા ફેલાવવામાં મોટું યોગદાન આપનારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)નો પ્રભાવ મહારાષ્ટ્રમાં થયો એટલો જ ગુજરાતમાં થયો. સંઘની વિચારધારાને ગુજરાતમાં ફેલાવનારા મોટા ભાગના પ્રચારકો મરાઠીભાષી હતા અને ગુજરાતે તેમને સહજતાથી અપનાવ્યા છે.
sanjogpurti@gmail.com