કંગના રનૌતે ફરી વિવાદિત નિવેદન આપ્યું છે. તેણે મંગળવારે સોશિયલ મીડિયા સ્ટોરીઝમાં લાંબા મેસેજ પોસ્ટ કરીને ગાંધીજી પર નિશાન સાધ્યું છે. પહેલા મેસેજમાં કંગનાએ તેમને સત્તા ભૂખ્યા અને ચાલાક ગણાવ્યા છે જ્યારે બીજી પોસ્ટમાં તેણે લખ્યું છે કે ગાંધીજી ઈચ્છતા હોત તો તેઓ ભગત સિંહની ફાંસી રોકી શકયા હોત.
કંગનાએ લોકોને સલાહ આપી કે તેમણે પોતાના નાયક સમજી વિચારીને પસંદ કરવા જાઈએ. તેણે એમ પણ લખ્યું કે થપ્પડ મારનાર સામે બીજી ગાલ ધરવાથી આઝાદી નથી મળતી. કંગનાએ અગાઉ આપેલા વિવાદાસ્પદ નિવેદનનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં તેણે ફરી આપત્તિજનક પોસ્ટ કરી છે. કંગનાએ એક જૂનો લેખ શેર કરીને લખ્યું છે કે તમે મહાત્મા ગાંધીને ટેકો આપી શકે અથવા સુભાષચંદ્ર બોઝને ટેકો આપી શકો.
તમે બંનેને ટેકો ન આપી શકો. તમારે તમારા હીરો વિચારીને પસંદ કરવા જાઈએ. ગાંધીજીની ટીકા કરતા કંગનાએ લખ્યું છે કે તેમણે આપણને શીખવ્યું કે કોઈ તમને થપ્પડ મારે તો તેની સામે બીજા ગાલ ધરવો પણ એવી રીતે આઝાદી નહિ માત્ર ભીખ મળે છે.
કંગનાએ બીજી પોસ્ટમાં લખ્યું છે કે ગાંધીજીએ ક્યારે પણ ભગત સિંહને ટેકો નથી આપ્યો. અનેક પુરાવા એવો સંકેત આપે છે કે ગાંધીજી ઈચ્છતા હતા કે ભગતસિંહને ફાંસી મળે. આથી તમારે કોને તમારા નાયક તરીકે પસંદ કરવા છે તે સમજી વિચારની નક્કી કરવાનું છે.
તમામને એક જ યાદીમાં સમાવેશ કરીને માત્ર તેમને તેમની જયંતિ પર યાદ કરવા મુર્ખતા છે. લોકોએ પોતાનો ઈતિહાસ તપાસીને પછી પોતાના નાયક પસંદ કરવા જાઈએ. કંગનાએ ૧૯૪૦ના એક જૂના અખબારના લેખને શેર કર્યો છે જેની હેડલાઈન હતી ગાંધી અને અન્યો નેતાજીને બ્રિટિશને સોંપી દેવા સહમત થયા હતા.
કંગનાએ દાવો કર્યો છે કે આપણા સ્વતંત્રવીરોને એવા લોકોએ બ્રિટિશને સોંપી દીધા હતા જેમનામાં લડવા માટે હિમ્મત પણ નહોતી અને તેઓ સત્તા ભૂખ્યા હતા. કેટલાક દિવસ અગાઉ આ પદ્મશ્રી એવોર્ડ વિજેતા અભિનેત્રીએ ભારતની સ્વતંત્રતા વિશે ટિપ્પણી કરીને વિવાદ છંછેડયો હતો. મંગળવારે કરેલી પોસ્ટમાં કંગના પોતાના નિવેદન પર મક્કમ રહી હતી અને તેણે લોકોને પોતાના નાયક સમજદારી પૂર્વક પસંદ કરવાની સલાહ આપી હતી.