આ વાત સત્ય ઘટના ઉપર આધારિત છે. માણાવદરની આ ઘટના સ્વતંત્રતાના એ દિવસો યાદ કરાવી જાય છે. રજવાડાઓનું વિલીનીકરણ. આઝાદીના
ઉત્સવ કરતાં પણ મોટો પ્રસંગ હતો…!!
માણાવદર ગામમાં મેમણ જમાત મુંઝવણમાં હતી.
ભારત કે પાકિસ્તાન..?
મુલ્ક કે મજહબ…?
ઉરાંગઉટાંગ નવાબ જુનાગઢ છોડી ચૂક્યો હતો..આરઝી હકૂમતના સૈનિકો જોરસિંહ કવિ,સુરાગભાઈ વરુ, કનુભાઈ લહેરી..પી કે લહેરી, મુખ્ય સચિવ, ગાંધીનગર.ગુજરાતના પિતા વગેરે પોતપોતાના ગામ પરત ફર્યા હતા. તે વખતે માણાવદરમાં કાનાભાઈ પટેલ મોહમ્મદ શેઠને સમજાવી રહ્યા હતા.“શેઠ શું ખામી છે..? ક્યું દુઃખ છે કે આ પંડથી પિંડને જુદું પાડો છો ?” મોહમ્મદ શેઠ તોરમાં હતા.
હિંસાનો કે ઉપેક્ષાનો એક પણ પ્રસંગ નહિ બનેલો હોવા છતાં તેમની નજર માણાવદરની માટીને તિરસ્કારથી જોતી હતી.પાક (પાકિસ્તાન) જમીન તેમનું સ્વપ્ન બની ચૂક્યું હતું !
પરોઢિયે ડોઝ ખટારામાં બેસીને મોહમ્મદ શેઠે તેમની દિકરી બિલ્કીશ,શૌકત અને પત્ની શહેરબાનું સાથે માણાવદર છોડ્‌યું !! તેમના ડેલામાં બાંધેલું વાછરડું ભાંભરતું હતું .
કાનો પટેલ પછેડીથી આંસુ લૂછી ખૂણે ચુપચાપ ઊભો હતો. માણાવદરની ધૂળ ઉડી…!!
ડોઝ ખટારો કાળો ધુમાડાનો ઢગલો ધરતી ઉપર કરી દૂર દૂર જતો દેખાયો..!! આ વાતને વર્ષો વિતી ગયાં.
આજે માણાવદરની મામલતદાર ઓફિસમાં,માણાવદરની માટી જેવી કાળી પડી ગયેલી એક ફાઈલ, ત્યાંના તત્કાલીન મામલતદાર એ. એફ બારોટ સાહેબે ઊઘાડી હતી….!!
માણાવદરના મામલતદાર આ મામલામાં રસ લઈ ઊંડા ઊતર્યા,આખી ફાઈલનો ચીવટ પૂર્વક અભ્યાસ કર્યો..!
મુદ્દાની વાત એમ હતી કે..
બસો વીઘાં ભોં સરકારી ચોપડે એવેક્યુ લેન્ડ”હતી.ગણોત કાયદાની કલમ પણ તેમાં લાગી હતી. સાત-બારમાં કાના પટેલનું નામ હતું. અહીં મામલતદાર સામે પ્રશ્ન હતો. આ જમીન રાજ્યસાત કરવી કે કાના પટેલને આપવી..?
જ્યારે મામલતદાર બારોટ સાહેબે કાના પટેલને પૂછ્યું તો કાનો પટેલ હાથ જોડીને સરકારને કહેવા લાગ્યા કે સાહેબ આ ભોં અમારા શેઠ મોહમ્મદ શેઠની છે. પરંતુ એ હિજરત કરીને કરાંચી ગયેલા. પણ દિકરી બિલ્કીસનું અપહરણ થતાં, તેમણે ભારે રકમ ચૂકવી બિલ્કીસને છોડાવેલી, માત્ર ત્રણ મહિનામાં ભારત પરત આવેલા.
આ સામે ઊભી એ અમારા શેઠની
દિકરી બિલ્કીશબાનુ. વર્ષોથી અમે ખેતીની ઉપજ એને આપીએ છીએ. એ જ અમારા શેઠ. આ મિલ્કતનાં ખરાં માલિક એ છે. એને નામે આ મિલ્કત કરી આપો સાહેબ…!” કાના પટેલ એક શ્વાસે બોલી ગયા….!!
મામલતદાર એ. એફ બારોટ સાહેબ પણ આભા બની ગયા.!!
એમની જીણી આંખો પહોળી થઈ ગઈ.!
મામલતદારે કાના પટેલની જુબાનીની નોંધ કરી. શેરો કરી સહી સિક્કા કર્યા..!!
બિલ્કીસબાનુંને પાકિસ્તાનના અનુભવ પૂછ્યા…!!
બિલ્કીસબાનું રડતાં રડતાં બોલી..
“આ માટી અમારી માવતર છે સાહેબ. અમને મુલ્ક ખપે, મજહબ નહિં..”
બિલ્કીસને ઘણું કહેવું હતું પણ એનું હૈયું ભરાઈ આવ્યું, એ વધું ના બોલી શકી. એની આંખો અને એનો અવાજ વગર બોલ્યે ઘણું કહી ગયો..!!
છેલ્લે મન મક્કમ કરી બિલ્કીસ એક વાક્ય બોલી..”સાહેબ મારે નામે જમીન ના કરોને તોય આ કાનો બાપો. દિકરીને એકલી મુકે એવો નથી હો મને વિશ્વાસ છે આ કાળી માટીના ઉજળા માણસ પર.
આપ આ વાતમાં જેમ માનો તેમ “બધો આધાર આપની ઉપર છે સાહેબ !!”
બધી વાત સાંભળી આ બસો વીઘાં ભોં મામલતદાર એ.એફ બારોટ સાહેબે( અંબાલાલ એફ બારોટ. ) નિસરાયાવાળા) એ બિલ્કીસબાનુંના નામે કરી સહી આપી.. ફાઈલ આગળ કલેક્ટરની મંજૂરી માટે મોકલી આપી..!!
આટલા જૂના ને મોટા કેસનો ચપટીમાં નિકાલ.
ભારે ચર્ચા ચાલી. તે વખતના કલેક્ટરે કેસ રિવ્યુમાં લઈ મામલતદારને પૂછ્યું,”શું જોયું હતું તમે પુરાવામાં ?”
મામલતદાર એ.એફ બારોટ સાહેબનો જવાબ હતો. ખાનદાની.
અને આ વાત સાંભળી કલેકટર
મંજુલા સુબ્રમણ્યમે મામલતદારના નિર્ણય પર મંજૂરીનો શેરો કરી સહી કરી આપી. સ્વતંત્રતા સમયે જૂનાગઢની સ્થિતિ એવી કપરી હતી કે જેની કલ્પના પણ ના થાય. આવી તો અનેક ઘટનાઓ છે જે જાણીને આપણા રૂવાડા ઉભા થઇ જાય. આવો સૌ એ સ્વતંત્રતા માટે ખપી જનાર શહીદોરને સલામી આપીએ અને જૂનાગઢને ભારતમાં જોડવા માટે જે અધિકારીઓનું યોગદાન હતું તેમને પણ સલામ કરીએ. વંદેમાતરમ