વર્ષો પહેલા ગુજરાત સહિત દેશમાં પતિના મોત બાદ સતી થવાનો રિવાજ હતો. પરંતુ ધીમે ધીમે આ કુપ્રથા નાબૂદ થઈ હતી. જોકે તેમ છતાં અમરેલીમાં આજે પણ સતીપ્રથા જોવા મળે છે. અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે રોકેટ ગતિએ સતીના કેસ નોંધાયા છે. જિલ્લામાં લગભગ દરેક મહિને ૦ થી ૧૩ સુધીના કેસ નોંધાયા છે. તેનાથી એવો ભય ઊભો થયો છે કે નાબૂદ કરાયેલી પ્રથા જ્યાં વિધવા પતિની ચિતા પર પોતાનું બલિદાન આપે છે તે પ્રથા ફરી માથું ઉંચકી રહી છે. ન્ઇડ્ઢ કોન્સ્ટેબલ દ્વારા ડેટા એન્ટ્રીમાં કરવામાં આવેલી ભૂલના કારણે આ ગોટાળો થયો હોવાનો અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ રિપોર્ટ પ્રકાશિત
કર્યો છે.
ગૃહ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર ગુજરાતમાં ૨૦૧૫ થી ૨૦૨૦ સુધી ક્યાંય પણ સતીનો ઉલ્લેખ નથી. પરંતુ ટાઇપ એરરના કારણે જાન્યુઆરીથી નવેમ્બરમાં સીઆઈડી ક્રાઇમના રિપોર્ટમાં ૨-૩ કેસ કમિશન ઓફ સતી (પ્રિવેન્શન) એક્ટ અંતર્ગત નોંધાયા હતા. દરેક મહિને અમરેલીમાં જ કેસ નોંધાયા હતા, જ્યારે અન્ય જિલ્લામાં આ કેસની સંખ્યા ઝીરો હતી.
આ અંગે અમરેલીના એસપી નિર્લિપ્ત રાયે જણાવ્યું, અમે આ બાબતે તપાસ કરતાં ડેટા એન્ટ્રી લેવલ પર ભૂલને કારણે આવું થયું હોવાનું જાણવા મળ્યું છે. એક એલઆરડી કોન્સ્ટેબલે ભૂલથી ખોટા મથાળા હેઠળ ગુનાના આંકડા દાખલ કર્યા. મેં પણ ફેક્ટ ફાઈન્ડિંગ રિપોર્ટ માંગ્યો છે. અમે અમરેલીમાં સતીનો એક પણ કેસ નોંધ્યો નથી. જો કે પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયાએ જણાવ્યું કે ગુજરાતમાં સતી થવાની કોઈ ઘટના નથી પરંતુ જો આવો ડેટા જાહેરમાં મૂકવામાં આવ્યો હોય તો અમે તપાસ કરીને આ ભૂલને સુધારીશું.

ચાલુ વર્ષે અમરેલીમાં ભૂલથી નોંધાયેલા સતી પ્રથાના કેસ
સીઆઈડી ક્રાઈમના સોર્સ પ્રમાણે અમરેલીમાં ચાલુ વર્ષે સતી પ્રથાના જાન્યુઆરીમાં ૨, ફેબ્રુઆરીમાં ૪, માર્ચમાં ૬, એપ્રિલમાં શૂન્ય, મેમાં ૨, જુનમાં ૨, જુલાઈમાં ૨, ઓગસ્ટમાં શૂન્ય, સપ્ટેમ્બરમાં ૧૩, ઓક્ટોબરમાં ૧૩ અને નવેમ્બરમાં પણ ૧૩ કેસ નોંધાયા છે.