વિરાટ કોહલી અત્યાર સુધી એક ખેલાડી તરીકે આઇપીએલનું ટાઇટલ જીતી શક્યો નથી. તે શરૂઆતથી જ આરસીબીનો ભાગ છે અને ટીમ અત્યાર સુધી ટાઈટલ જીતવામાં સફળ રહી નથી. આરસીબીની ટીમ ટી ૨૦ લીગની સતત ત્રીજી સિઝનમાં પ્લેઓફમાં પહોંચી હતી ચેમ્પિયન બનવા સફળ રહી નથી. ટી-૨૦ લીગના ઈતિહાસમાં આરસીબી ટીમે સૌથી વધુ પૈસા ખેલાડીઓને ખરીદવામાં ખર્ચ્યા છે. તેણે અત્યાર સુધીમાં લગભગ ૯૧૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. તો બીજી તરફ કોહલીને પગાર તરીકે લગભગ ૧૫૮ કરોડ રૂપિયા મળ્યા છે. પરંતુ ટીમ અને કોહલી બંનેનું આઈપીએલ જીતવાનું સપનું હજુ અધુરું રહી ગયું છે.
વિરાટ કોહલીએ ટી-૨૦ લીગની વર્તમાન સિઝન પહેલા ટીમની કેપ્ટનશિપ છોડી દીધી હતી. આ પછી ટીમે તેને ૧૫ કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. ફાફ ડુ પ્લેસિસને ટીમની કમાન સોંપવામાં આવી હતી. લીગ રાઉન્ડ બાદ ટીમ ટેબલમાં ચોથા નંબરે હતી. આ પછી તેણે એલિમિનેટરની મેચમાં લખનઉ સુપર જોયન્ટ્‌સને હરાવ્યું હતું.
આઇપીએલમાં આરસીબી ટીમના ઈતિહાસની વાત કરીએ તો તે આરસીબી અત્યાર સુધીમાં ૭ કેપ્ટનને અજમાવી ચૂક્યું છે. પરંતુ કોઈ તેને જીત અપાવી શક્યું નથી. કોહલી અને ડુ પ્લેસિસ ઉપરાંત અનિલ કુંબલે, ડેનિયલ વેટ્ટોરી, રાહુલ દ્રવિડ, કેવિન પીટરસન અને શેન વોટસન પણ કમાન સંભાળી ચુક્યા છે અને બધા નિષ્ફળ ગયા છે.