અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ મનીષ સંઘાણીના માર્ગદર્શન હેઠળ અમરેલી ખાતે પાંચ દિવસીય ADCU હાટ પ્રદર્શની અને વેચાણ મેળાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ મેળો તારીખ ૦૮.૧૦.૨૦૨૫ થી તારીખ ૧૨.૦૮.૨૦૨૫ સુધી ચાલશે. મેળાના ઉદ્ઘાટન પ્રસંગે અમર ડેરીના અધ્યક્ષ અશ્વિનભાઈ સાવલિયા, અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘના અધ્યક્ષ જયંતીભાઈ પાનસુરીયા, અમરેલી નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ તુષારભાઇ જોષી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને હાટ મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ મેળામાં સખી મંડળ, સહકારી મંડળીઓ અને ઘરેથી કામ કરનારાઓના કુલ મળીને ૫૭ સ્ટોલ રાખવામાં આવેલા છે, જેમાં દિવાળીના તહેવારને લગતી અવનવી વેરાયટીઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. મનીષ સંઘાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના સૂત્ર ‘વોકલ ફોર લોકલ’ને સાર્થક કરવા માટે જિલ્લાની જનતાને હાટની મુલાકાત લેવા તેમજ ખરીદી કરવા માટે આહ્વાન કર્યું હતું.



































