આંતરરાષ્ટ્રીય સહકારી ગઠબંધન ICA ના બોર્ડની બેઠક દરમિયાન,ICA યુવા સમિતિના પ્રમુખ અને આંતરરાષ્ટ્રીય સહકારી ગઠબંધનના બોર્ડના યુવા પ્રતિનિધિ હર્ષ મુકેશભાઈ સંઘાણીએ બ્રાઝિલમાં ભારતના રાજદૂત દિનેશ ભાટિયા સાથે મુલાકાત કરી હતી. આ વાતચીત દરમિયાન દિનેશ ભાટિયાજીએ આંતરરાષ્ટ્રીય સંબંધોના તેમના વ્યાપક અનુભવ અને G-૨૦ શેરપા તરીકેના તેમના કાર્યકાળમાંથી મેળવેલી ઊંડી સમજણ શેર કરી હતી. આ મુલાકાતમાં સહકારી આંદોલનમાં યુવાનોની મહત્વની ભૂમિકા અને સહકારી સંસ્થાઓ કેવી રીતે વધુ સમાવેશી, ટકાઉ અને વૈશ્વિક સ્તરે જોડાયેલા અર્થતંત્રના નિર્માણમાં યોગદાન આપી શકે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. હર્ષ મુકેશભાઈ સંઘાણીએ વૈશ્વિક સહકારમાં યુવા નેતૃત્વ તરફ રાજદૂતના ડહાપણ, દ્રષ્ટિ અને પ્રોત્સાહનની ઊંડી પ્રશંસા વ્યક્ત કરી હતી. સંઘાણીએ કહ્યું, “દિનેશ ભાટિયાજી મારા જેવા ઘણા યુવાનો માટે ખરેખર આદર્શ માર્ગદર્શક અને પ્રેરણા છે, જેઓ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવા અને આપણા દેશના વિકાસમાં યોગદાન આપવા માંગે છે.”







































