અમદાવાદમાં ડિલિવરી સર્વિસ પ્લેટફોર્મ પોર્ટરના માધ્યમથી એમડી ડ્રગ્સની હેરાફેરી કરવાનો મામલો સામે આવ્યો છે. ગોતા વિસ્તારમાં પહોંચાડવાના પાર્સલ અંગે શંકા જતાં પોર્ટરના કર્મચારી વસંત સોલંકીએ તપાસ કરી હતી. પાર્સલમાંથી અંદાજે રૂ. ૧,૫૦૦ની કિંમતનું એમડી ડ્રગ્સ મળી આવતાં તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. આ ઘટનાને પગલે નરોડા પોલીસે તપાસ શરૂ કરી એક યુવકને પૂછપરછ માટે બોલાવ્યો છે.મળતી માહિતી મુજબ, પોર્ટર કર્મચારી વસંતભાઈ સોલંકીને ગોતા વિસ્તારમાં સામાન પહોંચાડવાનો ઓર્ડર મળ્યો હતો. જાકે, ઓર્ડર અને પાર્સલ અંગે શંકા જતાં તેમણે તેની ચકાસણી કરવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન સતીશભાઈ સરાણીયાના પોર્ટર એકાઉન્ટમાં તેમની જાણ બહાર ઓર્ડર આવતા હોવાની બાબત પણ સામે આવી હતી.આથી વસંતભાઈ અને સંબંધિત પોર્ટર ડ્રાઇવરે નાના ચિલોડા ખાતે ભેગા થઈ સામાનની તપાસ કરી હતી. તપાસ દરમિયાન પાર્સલમાંથી એક પડીકી મળી આવી હતી, જેમાં એમડી ડ્રગ્સ હોવાની શંકા જતાં બંનેએ તાત્કાલિક ૧૦૦ નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી.
માહિતી મળતાં નરોડા પોલીસ હરકતમાં આવી હતી અને ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પોલીસને પાર્સલ મોકલનાર અને તે સ્વીકારનાર અંગે માહિતી મળી હતી. આ કેસમાં પ્રિયાંક વસંતભાઈ સંઘવી (ઉંમર ૨૭ વર્ષ) નામના યુવકને પૂછપરછ માટે લાવવામાં આવ્યો છે.પોલીસે પાર્સલમાંથી અંદાજે રૂ. ૧,૫૦૦ની કિંમતનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ મામલે પાર્સલ મોકલનાર અને મેળવનારની ભૂમિકા અંગે તપાસ ચાલી રહી છે. જાકે, ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેને કોણે પાર્સલમાં મુક્યું હતું તે હજી તપાસનો વિષય છે.પ્રાથમિક પૂછપરછ દરમિયાન ડ્રગ્સનો જથ્થો આગળ અન્ય કોઈ વ્યક્તિને આપવાનો હોવાની બાબત સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. આથી પોલીસ હવે પાર્સલ બુક કરાવનાર વ્યક્તિ, ડ્રગ્સ મેળવનાર અને તેની આગળની ડિલિવરી સાથે સંકળાયેલા લોકોની કડીઓ તપાસી રહી છે.આ ઘટનામાં પોર્ટર કર્મચારીની સતર્કતા મહત્વપૂર્ણ રહી હતી. શંકાસ્પદ પાર્સલની ડિલિવરી આગળ વધારવાને બદલે પોલીસને જાણ કરવાથી ડ્રગ્સની હેરાફેરીનો મામલો સામે આવ્યો હતો. હવે તપાસમાં આ કથિત ડ્રગ્સ નેટવર્કમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે સ્પષ્ટ થશે.







































