લગ્નના માત્ર આઠ મહિના, ૧૭૦૦ ફૂટ ઊંડી ખીણ અને એક ૧૩ મિનિટનો અંતિમ વીડિયો…જેણે આખા ભાવનગરને ધ્રુજાવી દીધું!…જી હા…ભાવનગરના કાળિયાબીડ અને ચિત્રા વિસ્તારમાં આજે આ જ શબ્દો ગુંજી રહ્યા છે! એક હસતો-રમતો યુવાન, ટીંબા પોસ્ટ ઓફિસનો કર્મચારી વિશ્વરાજસિંહ ગોહિલ…મહારાષ્ટ્રના હરિશ્ચંદ્રગઢ પર્વત પર પહોંચે છે, અને ૧૭૦૦ ફૂટ ઊંડી ખીણની એકદમ કિનારે ઊભા રહીને મોતને ગળે લગાવી લે છે!…
પણ આ માત્ર સામાન્ય આત્મહત્યા નથી…આ એક જીવતી જાગતી જિંદગીનો કાયદા સામેનો મોટો વિસ્ફોટ છે! મરતાં પહેલાં વિશ્વરાજસિંહે ૧૩ મિનિટનો એવો વીડિયો શૂટ કર્યો, જેનો એક-એક શબ્દ સમાજની આંખો ખોલનારો છે…વીડિયોમાં પત્ની અને સાસરી પક્ષ સામે ગંભીર આક્ષેપો સાથે કાયદાના દુરુપયોગની હૃદયદ્રાવક વ્યથા છે….
ગત આઠ ફેબ્રુઆરીએ લગ્ન થયા, પણ આઠ મહિનામાં જ બધું વિખેરાઈ ગયું…૧૨ સપ્ટેમ્બરે પત્ની ધારાબા દ્વારા ઘરેલુ હિંસાની અરજી થઈ…સસરાના ઘરે વિવાદ વધતાં વિશ્વરાજે હાથની નસ કાપી નાખી! અને છેલ્લે… નવ ઓક્ટોબરે કોર્ટના ધક્કા ખાધા પછી, હારેલો આ યુવાન બાઈક લઈને સીધો મહારાષ્ટ્રની એ કાળી ખીણ તરફ નીકળી ગયો, જ્યાંથી ક્યારેય કોઈ પાછું નથી આવતું…
મહારાષ્ટ્રની પોલીસે લાશ શોધી કાઢી છે અને કાળિયાબીડ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે…પણ સવાલ એ છે કે, વિશ્વરાજસિંહના આ ૧૩ મિનિટના વીડિયોમાં વહેવડાવેલા આંસુઓનો હિસાબ કોણ આપશે? શું આ આક્ષેપોની સ્વતંત્ર તપાસ થશે? ન્યાય ક્યારે મળશે?…
૧૭૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકેલી વિશ્વરાજસિંહની આ લાશ…માત્ર એક પાર્થિવ દેહ નથી, પણ આપણી ન્યાય પ્રણાલી સામે ઊભો થયેલો એક બહુ મોટો સવાલ છે! ‘પગે લાગું છું, ન્યાય આપો…૪૯૮ના કેસ જિંદગી લઈ લે છે’– ધ્રુજતા અવાજે વીડિયોમાં બોલાયેલા આ આખરી શબ્દો આજે દેશના કરોડો પુરુષોની છૂપી વેદના બની ગયા છે. લગ્નજીવનના કલેશમાં સત્ય શું છે એ તો પોલીસ તપાસ પછી જ બહાર આવશે.પણ એક વાત નક્કી છે કે, કાયદાના રક્ષણ માટે બનેલી કલમો જ્યારે કોઈ નિર્દોષનું જીવન ટૂંકાવવાનું હથિયાર બની જાય, ત્યારે સમાજે અને સરકારે પણ ગંભીરતાથી વિચારવું જ પડશે! ભાવનગરના આ કરુણ કિસ્સા બાદ હવે જોવાનું એ રહેશે કે, શું વિશ્વરાજસિંહના આ આખરી વીડિયોને ન્યાય મળશે ખરો? કે પછી આ આક્રોશ પણ સમય જતાં કાળી ખીણમાં ગરકાવ થઈ જશે!.