બાબરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી એક ઘટના સામે આવી છે, જેમાં પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. ગુનાના કામે નોટિસની બજવણી કરવા ગયેલા પોલીસ જવાન અને ફરિયાદી પર આરોપીએ હિંસક હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી. આ અંગે પોલીસ કર્મચારી શીવાભાઇ કેશુભાઇ મકવાણા (ઉ.વ.૪૧)એ શ્યામભાઇ હિંમતભાઇ તેરૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ બાબરા પોલીસ સ્ટેશનના કર્મચારી અનોપસિંહ ગગજીભાઇ સોલંકી જ્યારે આ કામના આરોપીને ગુના સંદર્ભે નોટિસ આપવા ગયા હતા, ત્યારે આરોપીએ ઉશ્કેરાઈને ગાળાગાળી શરૂ કરી હતી. માથાકૂટ વકરતા આરોપી પોલીસકર્મીને મારવા દોડ્યો હતો. આ અંગેની જાણ અનોપસિંહે તેમને કરતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે, ઉશ્કેરાયેલા આરોપીએ તેમને પણ બિભત્સ ગાળો આપી હતી અને પોલીસની કાયદેસરની ફરજમાં અડચણ ઊભી કરી હતી. આટલેથી ન અટકતા, આરોપીએ ફરિયાદી અને સાહેદ અનોપસિંહ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ફરિયાદીને નાકના ભાગે તથા ગરદનના પાછળના ભાગે ઇજાઓ પહોંચી હતી. વધુમાં, હુમલા દરમિયાન ફરિયાદીના ડાબા હાથની ટચલી આંગળીની બાજુની આંગળીમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા થઈ હતી. બાબરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.એન.ગાંગણા વધુ તપાસ કરી રહ્યા છે.











































