ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થતાની સાથે જ વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. નર્મદા જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થાય તે પહેલાં જ રાજ્ય ચૂંટણી આયોગે એક મોટી ટેકનિકલ ભૂલ કરી છે. જિલ્લાની ૨-ભચરવાડા તાલુકા પંચાયત બેઠક માટે ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની નિમણૂક જ કરવામાં આવી નથી. આ મોટી ચૂકને કારણે આ બેઠકની ચૂંટણી પ્રક્રિયા પર પ્રશ્નાર્થ ચિન્હ લાગી ગયો છે.
નર્મદા જિલ્લા પંચાયતની ૨૨ અને ૬ તાલુકા પંચાયતની ૧૦૨ બેઠકો માટે આયોગે અગાઉથી અધિકારીઓની નિમણૂકની યાદી જાહેર કરી છે, પરંતુ તેમાં અત્યંત રાજકીય મહત્વ ધરાવતી ૨-ભચરવાડા બેઠકનું નામ જ ગાયબ છે. નોંધનીય છે કે, ગત ટર્મમાં આ બેઠક અનુસૂચિત આદિજાતિ (મહિલા) માટે અનામત હતી, પરંતુ આ વખતે તેમાં ફેરફાર કરીને તેને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (બક્ષીપંચ) માટે અનામત જાહેર કરાઈ છે.
અગાઉ આ જ બેઠક પરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના પૌત્રવધુ અને ભાજપના પૂર્વ ધારાસભ્યના સાળાની દીકરી વિજેતા બની ચૂક્યો છે. આ તમામ રાજકીય સમીકરણો વચ્ચે હવે મુખ્ય સવાલ એ ઊભો થયો છે કે જે બેઠક માટે કોઈ અધિકારી જ નક્કી નથી, ત્યાં ઉમેદવારી ફોર્મ ભરવાથી લઈને મતગણતરી સુધીની જવાબદારી કોણ નિભાવશે, જેને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
આ ગંભીર છબરડા અંગે જ્યારે નાંદોદના તાલુકા વિકાસ અધિકારી પઠાણનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે આ વહીવટી ચૂક હોવાનું સ્વીકાર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “આ એક ટેકનિકલ ક્ષતિ છે. અમે આ બાબતે રાજ્ય ચૂંટણી આયોગનું ધ્યાન દોર્યું છે અને ટૂંક સમયમાં જ આ પ્રશ્નનો ઉકેલ લાવીને સંબંધિત અધિકારીની નિમણૂક કરી દેવામાં આવશે.”











































