સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. જેને લઈને ગુજરાતમાં પહેલેથી જ રાજકીય હલચલ શરૂ થઈ ચૂકી છે. આ વચ્ચે પૂર્વ કોર્પોરેટરો-કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને પોતાની પાર્ટીનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે અને વોટ માંગી રહ્યા છે. ત્યારે ગત ચૂંટણીમાં જે વાયદાને આધારે આ નેતાઓ ચૂંટાયા હતા એ વાયદાઓ પૂર્ણ ન થતા પ્રજા રોષે ભરાઈ છે. આવો જ એક કિસ્સો હાલ અમદાવાદમાંથી સામે આવ્યો છે, જ્યાં ચૂંટણીના વાયદાઓ પૂર્ણ ન થતા સ્થાનિકોએ આ મુદ્દે વિરોધ નોંધાતા પૂર્વ કોર્પોરેટરે સ્થાનિક મતદારોને જાહેરમાં માર્યા હોવાની વિગતો સામે આવી રહી છે.
આવનાર દિવસોમાં એટલે કે ૨૬ એપ્રિલ ૨૦૨૬ રોજ યોજવાની છે. જેમાં અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી પણ યોજવાની છે. ત્યારે એક તરફ ભાજપની ઉમેદવારો પસંદગી માટેની સેન્સ પ્રક્રિયા યોજાઈ રહી છે. તે વચ્ચે અમદાવાદ શહેરના સૈજપુર બોઘા વિસ્તારમાં ચૂંટણીના વાયદાઓ પૂરા ન થતા આજે ભારે હોબાળો મચી ગયો હતો. ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે આપેલા વચનો મુજબ કામની માંગણી કરવા ગયેલા સ્થાનિક મતદારો અને ભાજપના પૂર્વ કોર્પોરેટર વિનોદીકુમારી ચૌધરી વચ્ચે મામલો બિચક્યો હતો, જે અંતે મારામારીમાં પરિણમ્યો હતો.
મળતી માહિતી મુજબ, આ વિસ્તારના લોકોએ પાંચ વર્ષ પહેલાં વિકાસના કામોની આશાએ મતો આપ્યા હતા, પરંતુ આક્ષેપ છે કે પાંચ વર્ષ વીતી ગયા હોવા છતાં સોસાયટીમાં ગટરનું એક પણ કામ થયું નથી. જે અંગે સ્થાનિક લોકો દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવી ન હતી. જ્યારે આજે લોકોએ પૂર્વ કોર્પોરેટરને તેમના અધૂરા વાયદાઓ વિશે ફરી યાદ અપાવ્યું, ત્યારે ઉગ્ર બોલાચાલી થઈ હતી.