અમદાવાદના શાંતિગ્રામ ખાતે આવેલી સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા પ્રથમ વાલી ઓરિએન્ટેશન મીટિંગ અને વિશ્વશાંતિ પ્રાર્થના સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વર્તમાન વૈશ્વિક અશાંતિ અને યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે સૌએ સાથે મળીને માનવતા અને વિશ્વશાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. શાળાના આચાર્યએ આ પ્રસંગે વિદ્યાર્થીઓના સર્વાંગી જીવન ઘડતરમાં ગુરુકુલની ભૂમિકા અને શિક્ષણ સાથે સંસ્કારના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી, કાર્યક્રમમાં સંતો દ્વારા પ્રેરક આધ્યાત્મિક પ્રવચન આપવામાં આવ્યું હતું, જેમાં જીવનમાં શિસ્ત અને આધ્યાત્મિક મૂલ્યોના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. વાલીઓને સ્કૂલ કેમ્પસની મુલાકાત કરાવીને આધુનિક સુવિધાઓ, સુરક્ષિત વાતાવરણ અને આગામી શૈક્ષણિક સત્રની કાર્યપદ્ધતિ તેમજ અભ્યાસક્રમ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. શાળા દ્વારા દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન આપવાની અને તેમના આંતરિક કૌશલ્યોને વિકસાવવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી.