જામનગર શહેરમાં બે પૂર્વ વિપક્ષી નેતાઓ વચ્ચેની જૂની અદાવતે ગઈકાલે રાત્રે લોહિયાળ ખેલ ખેલાયો છે. જેએમસીના પૂર્વ વિપક્ષ નેતા અસલમ ખિલજી અને અલ્તાફ ખફી વચ્ચેની દુશ્મનાવટ ફાયરિગ ઘટના બની છે. અસલમ ખિલજીના ભત્રીજાની થાર રોકી અલ્તાફના સાગરીતોએ માર મારી ફાયરિંગ કરી ફરાર થઈ ગયા છે. વર્ષો સુધી જે નેતાઓએ ખભેખભો મિલાવીને રાજકારણ ખેલ્યું હતું, આજે તેમની દુશ્મનાવટ ફાયરિંગ અને જીવલેણ હુમલા સુધી પહોંચી ગઈ છે. હાલ આ મામલે સિક્કા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી જાણકારી અનુસાર જામનગર મહાનગરપાલિકામાં પૂર્વ વિપક્ષી નેતા તરીકે રહી ચૂકેલા અલ્તાફ ખફી અને અસલમ ખિલજી વચ્ચેની રંજીશ હવે ચરમસીમાએ પહોંચી છે. એક સમયે આ બંને નેતાઓ કોંગ્રેસ પક્ષમાં સાથે હતા અને ત્રણ-ત્રણ વખત કોર્પોરેટર તરીકે ચૂંટાઈને સાથે કામ કર્યું હતું. જોકે, છેલ્લા બે ટર્મથી તેમની વચ્ચે આંતરિક વિખવાદ વધતો ગયો હતો. અસલમ ખિલજીને કોંગ્રેસમાંથી દૂર કરવામાં આવ્યા બાદ આ દુશ્મની સપાટી પર આવી હતી અને અસલમ ખિલજી આમ આદમી પાર્ટીમાં જાડાતા આ રાજકીય અને વ્યક્તિગત રંજીશ વધુ ઘેરી બની હતી.

આ અદાવતનો કરુણ અંજામ ગઈકાલે રાત્રે જોવા મળ્યો હતો. અસલમ ખિલજીનો ભત્રીજા પોતાની થાર ગાડી લઈને જઈ રહ્યો હતો ત્યારે અલ્તાફ ખફીના સાગરીતોએ તેને રસ્તામાં રોક્્યો હતો. અલ્તાફના માણસોએ યુવકને બેફામ માર માર્યો હતો અને ત્યારબાદ હવામાં તથા જીવલેણ ફાયરિંગ કરીને નાસી છૂટ્યા હતા. આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અસલમ ખિલજીના ભત્રીજાને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. સિક્કા પોલીસ મથકમાં અલ્તાફ ખફી અને તેના સાગરીતો વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અલ્તાફ ખફી અગાઉ પણ એક જીવલેણ હુમલાના કેસમાં જેલ હવાલે થઈ ચૂક્્યો છે. લોહિયાળ ખેલ ખેલાયા બાદ જામનગર પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. રાજકીય વર્તુળોમાં પણ આ હુમલાની ભારે ચર્ચા થઈ રહી છે.