અમરેલીમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ પ્રસંગે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું રવિવાર, ૨૨ માર્ચ ૨૦૨૬ના રોજ સમસ્ત સગર સમાજ દ્વારા ત્રિમંદિર ખાતે ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સીમંધર સ્વામીના દર્શન કર્યા બાદ સમાજને સંબોધતા જણાવ્યું હતું કે, પરિવારની પ્રગતિ માટે સંતાનોને શિક્ષિત કરવા અનિવાર્ય છે. તેમણે રાજ્ય સરકારની શૈક્ષણિક યોજનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના બાળકો હવે ઉચ્ચ શિક્ષણ મેળવી ડોક્ટર-એન્જિનિયર બની રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષ ૨૦૪૭ સુધીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા તેમણે સૌને આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ સગર સમાજના અગ્રણીઓની સેવાકીય કામગીરીને બિરદાવી હતી અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા અપીલ કરી હતી. ધારાસભ્ય જગદીશભાઈ વિશ્વકર્માએ પણ આર્થિક અને શૈક્ષણિક વિકાસ પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે સાંસદ ભરતભાઈ સુતરીયા, હીરાભાઈ સોલંકી સહિતના ધારાસભ્યો અને મોટી સંખ્યામાં સગર સમાજના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.