આજના આધુનિક યુગમાં જ્યારે સામાજિક પ્રસંગોમાં દેખાડો વધી રહ્યો છે, ત્યારે સાવરકુંડલાના લોહાણા સમાજના એક પરિવારે સમાજને નવી રાહ ચીંધી છે. હાલમાં ચૈત્રી નવરાત્રિ દરમિયાન, એક પરિવારે ઉઠામણાના પ્રસંગે કોઈપણ પ્રકારના આડંબર વગર માત્ર સેવા અને જીવદયાને પ્રાધાન્ય આપ્યું હતું. સ્વર્ગસ્થના આત્માની શાંતિ અર્થે આ પરિવારે એક સરાહનીય નિર્ણય લીધો હતો. સામાન્ય રીતે ઉઠામણામાં પરંપરાગત વિધિઓ થતી હોય છે, પરંતુ અહીં માનવતા અને અબોલ જીવો પ્રત્યેની સંવેદના જોવા મળી હતી. આ પ્રસંગે નવરત્ન પ્રસાદના કુલ ૬૫૭ નાળિયેર (શ્રીફળ) તૈયાર કર્યા હતા. આ દરેક શ્રીફળમાં કીડી અને જીવજંતુઓ માટે આહાર બની શકે તેવી નવરત્ન સમાન વિભિન્ન ખાદ્યવસ્તુઓ ભરી હતી. આ ઉઠામણામાં આવેલા લોકોને એક-એક ‘ફળ’ (શ્રીફળ) અર્પણ કર્યું હતું, જેથી તેઓ પોતપોતાના ઘરે કે યોગ્ય સ્થાને આ જીવદયાનું કાર્ય આગળ ધપાવી શકે.