પાટણના ઝીલિયાના રામાધણી ફાર્મહાઉસ પર હુમલાના કેસમાં દરરોજ નવી અપડેટ સામે આવી રહી છે. આ તરફ હવે પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા પ્રશાસન દ્વારા તાત્કાલિક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે બનેલી ઘટનાના પગલે સમગ્ર જિલ્લામાં ૨૪ કલાક માટે પ્રતિબંધાત્મક આદેશો અમલમાં મૂકવામાં આવ્યા છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટેભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૬૩ હેઠળ જાહેરનામું બહાર પાડ્યું છે. આ મુજબ જિલ્લામાં કોઈપણ જગ્યાએ ચારથી વધુ લોકો એકઠા થઈ શકશે નહીં. તેમજ જાહેર સભા, રેલી અથવા સરઘસ યોજવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ઉલ્લેખનિય છે કે, ચાણસ્માના ઝીલિયા ગામમાં બનેલી ઘટના બાદ પરિસ્થિતિ તંગ બની હતી. આ મામલે થયેલી પોલીસ કાર્યવાહી સામે કેટલાક સંગઠનો દ્વારા વિરોધની ચીમકી આપવામાં આવી હતી. ખાસ કરીને યુવા ક્ષત્રિય સેના સાથે જાડાયેલા આગેવાનો દ્વારા કાર્યક્રમો અને આંદોલનની જાહેરાત કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને પ્રશાસને સાવચેતીરૂપે આ પગલું ભર્યું છે.પ્રશાસનનો મુખ્ય હેતુ જિલ્લામાં શાંતિ અને સુલેહ જાળવી રાખવાનો છે. પોલીસ અધિક્ષકની ભલામણને આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને.
જાહેરનામા મુજબ કેટલાક પ્રસંગોમાં છૂટછાટ આપવામાં આવશે. સરકારી ફરજ બજાવતા કર્મચારીઓ, લગ્ન પ્રસંગો અને અંતિમવિધિ જેવી પરિસ્થિતિમાં પૂર્વ મંજૂરી સાથે લોકો એકત્ર થઈ શકશે. પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે આ આદેશોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. આ આદેશો ૨૩ માર્ચ ૨૦૨૬ના રોજ સંપૂર્ણ દિવસ માટે અમલમાં રહેશે.










































