અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઇંગોરાળા ગામે ગત ૨૫ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ વાડી વિસ્તારમાં બનેલી એક કરુણ ઘટનામાં વન્ય પ્રાણીના હુમલામાં ૧૫ વર્ષીય કિશોરી રુકીના ભુરીયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. આ દુખદ ઘટના બાદ રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા વળતરની પ્રક્રિયા અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી હતી. જેના ફળસ્વરૂપે ગઇકાલે ૧૯ માર્ચના રોજ વન વિભાગ દ્વારા મંજૂર કરાયેલી રૂ.૨ લાખની આર્થિક સહાયનો ડિમાન્ડ ડ્રાફ્‌ટ સ્થાનિક ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના વરદ્‌ હસ્તે પીડિત કિશોરીના પરિવારને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સામાજિક વનીકરણ વિભાગ અમરેલીના અધિકારીઓ અને લાઠી રેન્જના કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજર રહી સરકારની ત્વરિત કામગીરીને બિરદાવી હતી અને અસરગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી.