બગસરામાં ભારે પવન સાથે દોઢ ઈંચ વરસાદ નોંધાયો, રસ્તાઓ અને ખેતરો પાણી-પાણી
ગુજરાતના વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ ખેડૂતો અને સામાન્ય જનજીવનને મુશ્કેલીમાં મૂકી દીધું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કચ્છ, અમદાવાદ, મોરબી, રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં સાંજે ૪ વાગ્યા બાદ કમોસમી વરસાદ (માવઠું) અને ભારે પવન ફૂંકાતા ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. કચ્છના વાગડ અને પશ્ચિમ કચ્છમાં કુદરતનો બેવડો માર જોવા મળ્યો છે. રાત્રે ફૂંકાયેલા મિની વાવાઝોડા બાદ આજે સાંજે પણ મિનિ વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઇ છે, અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. પવનના જોરને કારણે કંડલામાં મોબાઈલ ટાવર ધરાશાયી થયો છે, બપોરબાદ અમરેલી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા અમરેલીમાં ૬ મીમી, બગસરામાં ૪૧ મીમી,વડીયામાં ૧પ મીમી, બાબરામાં પ મીમી, લીલીયામાં ૪ મીમી, ધારીમાં ૧પ મીમી, સાવરકુંડલામાં ૧૯ મીમી, ખાંભામાં ૧, મીમી, રાજુલામાં ૬ મીમી લાઠી,ધારી સહિતના પંથકોમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. આ કુદરતી આફતને કારણે અનેક વિસ્તારોમાં તોતિંગ વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બન્યા છે, જેના લીધે અનેક ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. ખાસ કરીને બગસરામાં ટૂંકા સમયમાં ધોધમાર દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ કવખતના વરસાદને લીધે ગીર પંથકના પ્રખ્યાત કેરીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે કારણ કે પવન સાથેના વરસાદે તૈયાર થયેલા શિયાળુ પાકને પણ મોટું નુકસાન પહોંચાડ્યું છે, જેનાથી કૃષિ ક્ષેત્રે આર્થિક ફટકો પડવાની શક્યતા છે. કમોસમી વરસાદને કારણે કેરીના પાકને પણ ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હાલ તો માવઠાએ ખેડૂતોની આર્થિક કમર તોડી નાખી છે. રાજુલા શહેરમાં દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ સાંજે સાડા છ વાગ્યે પવનની દિશા બદલાતા ધૂળની ડમરીઓ સાથે તોફાની પવન ફૂંકાયો હતો જેના કારણે દ્રશ્યક્ષમતા ઘટતા વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. સાવરકુંડલામાં પણ અચાનક ફૂંકાયેલા જોરદાર પવનને લીધે બસ સ્ટેન્ડ પાસે ઉભેલા પીકઅપ વાહનના તંબુ ઉડીને ધરાશાયી થયા હતા જોકે સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. વડિયા પંથકમાં સતત બીજા દિવસે ગાજવીજ સાથે મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાતા ભર ઉનાળે ચોમાસાનો અહેસાસ થયો હતો. આ કમોસમી વરસાદને કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો છે કારણ કે ઘઉં, ચણા, ધાણા, ડુંગળી અને ઉનાળુ કેરીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત ઈંટોના વ્યવસાય સાથે જોડાયેલા લોકોની મહેનત પર પણ પાણી ફરી વળ્યું છે. હવામાન વિભાગે લાઠી પંથક માટે ‘રેડ એલર્ટ’ અને સૌરાષ્ટ્ર માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે જેમાં ૫૦ થી ૭૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સર્જાયેલી આ સ્થિતિમાં લોકોને સુરક્ષિત સ્થળે રહેવા અને APMC યાર્ડમાં ખેતપેદાશોને સાચવી રાખવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
બગસરામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો
બગસરામાં બપોરના સમયે અચાનક વાદળછાયુ વાતાવરણ થયા બાદ સાંજના ૪ વાગ્યે ભારે પવનની સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. એક કલાક સુધી ધોધમાર વરસાદ વરસતા અંદાજે દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી પરંતુ ખેડૂતોના પાકને ભારે નુકસાન થયુ હોવાનુ સામે આવ્યુ છે.









































