આ ઘટનાની માહિતી મુજબ, કોટડા સાંગાણીના ત્રણ મિત્રો પોતાનું કામ પતાવીને એક્ટિવા (GJ03ND – 0857) પર ગોંડલ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન પરફેક્ટ રિસોર્ટ પાસે સામેથી આવતી વેગનઆર કાર (નંબર GJ03BA 1647) સાથે તેમનો અકસ્માત થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા પર સવાર ત્રણેય મિત્રો રોડ પર ફંગોળાયા હતા. અકસ્માતની જાણ થતા જ ૧૦૮ એમ્બ્યુલન્સ અને ગોંડલ નગરપાલિકાની એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જેમાં મુસ્તુફા સતારભાઈ ભખરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે સજીદભાઈ રજાકભાઈ બેલી), રહે. કોટડા સાંગાણી, ગફારશાહ આહમદશાહ શાહમદાર (ઉંમર વર્ષ ૪૦), રહે. કોટડા સાંગાણી વાળા બન્ને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ગોંડલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, ત્યારબાદ વધુ સારવાર અર્થે તેમને તાત્કાલિક રાજકોટ રિફર કરવામાં આવ્યા છે. મૃતક મુસ્તુફાભાઈ ભખરના લગ્ન ૧૦ વર્ષ પહેલા થયા હતા. તેમના નિધનથી પરિવારે મોભી ગુમાવ્યો છે. તેઓ સંતાનમાં એક દીકરી અને બે દીકરા ધરાવે છે. યુવાન પિતાના અકાળે અવસાનથી કોટડા સાંગાણી પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.