સૌરાષ્ટ્રના સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તારમાં ચોમાસા દરમિયાન ભરાતા વરસાદી પાણીની વર્ષો જૂની સમસ્યાના કાયમી નિવારણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ફેઝ-૨ માટે રૂ. ૧,૪૨૩.૪ કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટથી જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના ૬ તાલુકાના ખેડૂતોને સીધો લાભ મળશે. જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે ફેઝ-૧ ના રૂ. ૧૩૯.૪૨ કરોડના કામો હાલ પ્રગતિ હેઠળ છે, જે આગામી ૨૦૨૬ના ચોમાસા પહેલા પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. આ ભગીરથ કાર્યમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને સ્થાનિક ધારાસભ્યોએ સતત પ્રયત્નો કરેલ હતા. ઘેડ વિસ્તાર ભાદર, ઓઝત અને મધુવંતી જેવી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલો હોવાથી અહીં નદીઓ છીછરી અને કાંઠા વગરની છે. પરિણામે, ચોમાસામાં ચાર-પાંચ મહિના સુધી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. સેકોન કન્સલટન્ટના સર્વે અને આઈ.આઈ.ટી. ગાંધીનગરના રિવ્યુ બાદ તૈયાર થયેલી આ યોજનામાં નદીઓનું ડિસિલ્ટીંગ, સાંકળા પુલોને તોડી નવા મોટા ગાળાના સી.ડી. વર્ક્સ બનાવવા અને ટાઈડલ રેગ્યુલેટરના નવીનીકરણનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા દરિયાઈ ખારાશ અટકશે અને જળસંગ્રહ શક્તિ વધતા ખેડૂતો શિયાળુ પાક પણ સારી રીતે લઈ શકશે.