રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરમાં હાથ ધરવામાં આવેલ “આંગણવાડી નવીનીકરણ ઝૂંબેશ” અંતર્ગત અમરેલી તાલુકાના આઈ.સી.ડી.એસ. ઘટક-૧ હેઠળ નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી પી.બી. પંડ્યા, જિલ્લા પ્રોગ્રામ અધિકારી, હીરાબહેન રાજશખા, બાળ વિકાસ યોજના અધિકારી નિરાલી બહેન કિકાણીના માર્ગદર્શન હેઠળ ઘટક-૧માં બાળકોના પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણના સ્તરને વધુ મજબૂત બનાવવા વિવિધ કામગીરી કરવામાં આવી છે.
આ ઝુંબેશ અંતર્ગત કુલ ૪૦ આંગણવાડી કેન્દ્રોમાં નવીનીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે જ્યારે ૩૨ કેન્દ્રોમાં કામગીરી હાલ પ્રગતિમાં છે. આ સુધારાઓના કારણે આંગણવાડી ભવનો વધુ સુરક્ષિત, મજબૂત અને બાળકો માટે અનુકૂળ બન્યા છે.બાળકોને આનંદદાયક શૈક્ષણિક વાતાવરણ મળી રહે તે માટે દીવાલો પર “બાલા પેઇન્ટ” દ્વારા ગુજરાતી અને અંગ્રેજી મૂળાક્ષરો, અંક, મહિનાના નામો, પશુ-પક્ષીઓના ચિત્રો તેમજ બાળવાર્તાઓનું આલેખન કરવામાં આવ્યું છે. ઉપરાંત છત, બારી-દરવાજા રીપેરીંગ, પ્લાસ્ટર, ફ્લોરિંગ, શૌચાલય રીપેરીંગ, પાણીની પાઈપલાઈન રીપેરીંગ અને કલરકામ જેવી માળખાકીય સુવિધાઓમાં પણ સુધારા કરવામાં આવ્યા છે.







































