જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ નજીક ગત ૨૬ જાન્યુઆરીના રોજ બનેલી હૃદયદ્રાવક ઘટનામાં વનવિભાગને મોટી સફળતા મળી છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે એક માદા દીપડાનું કરુણ મોત નીપજ્યું હતું. આ મામલે જાફરાબાદ વનવિભાગે ઝીણવટભરી તપાસ હાથ ધરી વડોદરાના ફતેગંજ વિસ્તારમાં રહેતા જોય થેવાલીયમની ઓળખ કરી હતી. વનવિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવતા આરોપી પોતાની કિયા કેરેન્સ કાર સાથે વનવિભાગ સમક્ષ હાજર થયા હતા. શેત્રુંજી ડિવિઝનના એ.સી.એફ. વિરલ સિંહ ચાવડાના જણાવ્યા મુજબ, વનવિભાગે આ અકસ્માત બદલ ગુનો નોંધીને વાહનને ડિટેઇન કર્યું છે અને હાલ ચાલકની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. નોંધનીય છે કે આ હાઇવે પર અગાઉ પણ વન્યજીવોના અકસ્માતે મોત થયાના કિસ્સાઓ બન્યા છે. જાફરાબાદ વનવિભાગે અગાઉ બે સિંહોના અકસ્માત કેસ ઉકેલ્યા બાદ હવે આ દીપડાના કેસમાં પણ સફળતા મેળવી છે.






































