અમરેલી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને તાજેતરમાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની સમીક્ષા બેઠક સંપન્ન થઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો.બેઠક દરમિયાન કલેક્ટરે માર્ગો પર સ્પીડ લિમિટના પાલન, સાઇનેઝ બોર્ડ લગાવવા, અને આડેધડ વધેલા વૃક્ષોનું સમયસર ટ્રીમિંગ કરવા જેવી બાબતો પર ભાર મૂક્યો હતો. રોડ એન્જિનિયરિંગમાં સુધારો લાવવા માટે સ્પીડ બ્રેકર, રમ્બલ સ્ટ્રીપ, શેવરોન બોર્ડ અને કેટ આઈઝનો મહત્તમ ઉપયોગ કરવા સંબંધિત વિભાગોને સૂચના આપી હતી. ખાસ કરીને જીવલેણ અકસ્માતોના કિસ્સામાં એ.આર.ટી.ઓ. અને ટ્રાફિક પોલીસને સંયુક્ત સ્થળ તપાસ કરી અકસ્માતનું સચોટ કારણ જાણવા જણાવાયું હતું. અમરેલી નગરપાલિકાને સાવરકુંડલા બાયપાસથી ગુરુદત્ત પેટ્રોલ પંપ સુધીના વ્યસ્ત માર્ગ પર સ્ટ્રીટ લાઈટો કાર્યરત રાખવા તાકીદ કરી હતી. આ ઉપરાંત, શિક્ષણ વિભાગ અને એસ.ટી. નિગમ દ્વારા જાગૃતિ કાર્યક્રમો ચલાવી વાહન ચાલકોને હેલ્મેટ, સીટબેલ્ટ અને ઓવર સ્પીડિંગના નિયમોનું કડક પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.





































