ગુજરાત રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ આકરી ગરમીનો પ્રકોપ જાવા મળી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, માર્ચ મહિનામાં જ તાપમાન સામાન્ય કરતાં ૫થી ૮ ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાઈ રહ્યું છે,જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવથી લઈને સીવિયર હીટવેવ સુધીની સ્થિતિ સર્જાઈ છે. રાજકોટમાં તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જે રાજ્યમાં સૌથી વધુ છે અને છેલ્લા ત્રણ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.
હવામાન વિભાગ અનુસાર ૧૪થી ૧૬ માર્ચ સુધી ગુજરાતમાં હીટવેવથી સીવિયર હીટવેવની સ્થિતિ ચાલુ રહેશે, ત્યારબાદ તેમાં ધીમે ધીમે રાહત મળવાની શકયતા છે.રાજકોટ, સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્ર-કચ્છના અનેક આંતરિક વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
જ્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ, બનાસકાંઠા, પાટણ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવ વગેરેમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.આ સાથે જ સુરત, પોરબંદર, જુનાગઢ, જામનગર, ભાવનગર અને અન્ય કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેના કારણે હીટવેવની સંભાવના છે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં મહત્તમ તાપમાન ૩૮થી ૪૨ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું છે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન ૩૯–૪૦ ડિગ્રી આસપાસ રહેવાની આગાહી છે, જ્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ૪૧ ડિગ્રી સુધી પહોંચી શકે છે.દીવમાં માર્ચ મહિનાની ગરમીએ ૧૦૦ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે.રાજકોટમાં ૪૨° સે સાથે છેલ્લા ૩ વર્ષનો રેકોર્ડ તૂટ્યો.સમગ્ર રાજ્યમાં માર્ચમાં સામાન્ય કરતાં ૫થી ૮ ડિગ્રી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે.દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ દરિયાઈ પવનોની અસર ઓછી થતાં ગરમી વધી છે.