જાફરાબાદના મિતિયાળા નજીક આવેલ તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે. કથાના પ્રથમ દિવસે મિતિયાળા ગામથી વાજતે-ગાજતે ભવ્ય પોથીયાત્રા નીકળી હતી, જે તપોવન ટેકરી ખાતેના કથા મંડપમાં પહોંચી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ જ્ઞાનયજ્ઞમાં વક્તા તરીકે શાસ્ત્રી નિલકંઠભાઇ પી. વડીયા (ખાખબાઇ વાળા) બિરાજીને કથામૃતનું પાન કરાવી રહ્યા છે. કથાના પ્રારંભે સમૂહ રાષ્ટ્રગીતનું આયોજન કરવામાં આવ્યું હતું.
તપસ્વી આશ્રમમાં દર વર્ષે વિવિધ ધાર્મિક આયોજનોની પરંપરા મુજબ આ વર્ષે શિવ મહાપુરાણ યોજાયું છે. આશ્રમના મહંત રાઘવદાસજી મહારાજ (તપસ્વી બાપુ) દ્વારા શરૂ કરાયેલા ધાર્મિક અને સામાજિક કાર્યોને તેમના સ્વયંસેવકો આજે પણ વેગ આપી રહ્યા છે. આ નવ દિવસીય કથા દરમિયાન મંડપમાં ગાય માતાનું સાનિધ્ય રહેશે અને દરરોજ રાત્રે રામ ધૂન, સત્સંગ તથા ભજન-કીર્તનના કાર્યક્રમો યોજાશે.
આ શિવ મહાપુરાણ દરમિયાન સતી પ્રાગટ્ય, પાર્વતી પ્રાગટ્ય, શિવ વિવાહ, ગણપતિ અને કાર્તિકસ્વામી પ્રાગટ્ય, દ્વાદશ જ્યોર્તિલિંગ કથા સહિત શિવજીના વિવિધ અવતારોની કથાઓ શ્રવણ કરાવવામાં આવશે. આ સાથે જ સુંદરકાંડના પાઠ અને લોક ડાયરાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કથા દરમિયાન પૂજા અને સેવાનું સુંદર વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે.