ગુજરાત નેચરલ ર્ફામિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ સંચાલિત અમરેલીની કોલેજ ઓફ નેચરલ ર્ફામિંગ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. યુનિવર્સિટીના કુલપતિ ડા. સી. કે. ટીંબડિયાના મહિલા ખેડૂતોના સર્વાંગી ઉત્કર્ષ માટે ફ્રેન્ડ્સ ઓફ વુમન વર્લ્ડ બેન્કિંગ (FWWB) સંસ્થા સાથે ઐતિહાસિક સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય અમરેલી જિલ્લાની મહિલાઓને પ્રાકૃતિક ખેતીના વૈજ્ઞાનિક અભિગમ
સાથે જોડી તેમને આર્થિક રીતે સધ્ધર બનાવવાનો છે. આ કરાર હેઠળ મહિલાઓને માત્ર ખેતીનું જ્ઞાન જ નહીં, પરંતુ તેમના ઉત્પાદનોનું મૂલ્યવર્ધન, આકર્ષક પેકેજિંગ, બ્રાન્ડિંગ અને સીધા માર્કેટિંગ માટેની વિશેષ તાલીમ પૂરી પાડવામાં આવશે. આ અવસરે આયોજિત ત્રણ દિવસીય ‘માર્કેટિંગ કૌશલ્ય વર્કશોપ’માં મહિલાઓને ઉત્પાદનથી વેચાણ સુધીની તમામ કડીઓ સમજાવવામાં આવી હતી. કુલપતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી એ સસ્ટેનેબલ ભવિષ્યની ચાવી છે અને જ્યારે મહિલાઓ માર્કેટિંગ કૌશલ્ય શીખશે ત્યારે તેઓ સાચા અર્થમાં કૃષિ ઉદ્યમી બનશે. આચાર્ય ડા. એસ. પી. દેશમુખના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રગતિશીલ મહિલા ખેડૂતો અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા, જે ગ્રામીણ અર્થતંત્રમાં પરિવર્તનનો સંકેત આપે છે.





































